




ચાર મહિનાની મહેનતે તૈયાર કરેલી વિશિષ્ટ શાલથી મેળવી રાષ્ટ્રીય ખ્યાતિ, પિતાના વારસાને આગળ ધપાવી વણાટકળાને વૈશ્વિક ફલક પર પહોંચાડવામાં અરજણભાઈનું યોગદાન
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છની ઓળખ માત્ર રણ, સંસ્કૃતિ અને પ્રવાસન પૂરતી સીમિત નથી, પરંતુ અહીંની પેઢીઓથી જીવંત રહેલી પરંપરાગત હસ્તકલા પણ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. આવી જ એક સમૃદ્ધ પરંપરા એટલે ભુજોડીની હાથવણાટકળા. આ કળાને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર કારીગરોમાં ભુજોડીના અરજણભાઈ વિશ્રામભાઈ વણકરનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. પેઢીઓથી મળેલા વારસાને આધુનિક સમયની જરૂરિયાત સાથે જોડીને તેમણે કચ્છની વણાટકળાને નવી ઊંચાઈએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
અરજણભાઈના પરિવારનો વણાટકામ સાથેનો સંબંધ દાયકાઓ જૂનો છે. આશરે પાંચ દાયકા પહેલાં તેમના પરિવારના વડીલો ધાબળા અને શાલ બનાવવાની કામગીરી કરતા હતા. રબારી, આહીર, ભરવાડ અને ક્ષત્રિય સમાજની પરંપરા તથા પહેરવેશને અનુરૂપ વસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા. તેમના પિતા વિશ્રામભાઈએ આ પરંપરાગત કારીગરીને આગવી ઓળખ અપાવી હતી. વર્ષ 1974માં વણાટક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પિતાના પગલે ચાલીને અરજણભાઈએ પણ પોતાની કારીગરીનો પરિચય રાષ્ટ્રીય સ્તરે આપ્યો. વર્ષ 2009માં તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો. કુદરતી રંગો અને પરંપરાગત વણાટકૌશલ્યથી તૈયાર કરેલી તેમની વિશિષ્ટ શાલ બનાવવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો. આ સન્માનથી તેમના પરિવારની સાથે સમગ્ર ભુજોડી ગામનું ગૌરવ વધ્યું હતું.
કચ્છની શાલને મળેલો ભૌગોલિક સંકેત (GI) ટેગ પણ આ કળાની વિશિષ્ટતાને પ્રમાણિત કરવામાં મહત્ત્વપૂર્ણ બન્યો છે. તેના કારણે કચ્છની પરંપરાગત બનાવટને અલગ ઓળખ મળી છે અને ગ્રાહકોમાં તેની પ્રામાણિકતા અંગે વિશ્વાસ વધ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) પહેલથી સ્થાનિક ઉત્પાદનોને બજાર સાથે જોડવાની નવી તકો ઊભી થઈ છે. વણકરોને લોન, વર્કશેડ, ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને વિવિધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે મળતી સહાય તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપી રહી છે.
પરંપરાગત ધાબળા અને શાલની સાથે હવે ભુજોડીના કારીગરો સાડી, દુપટ્ટા અને સ્ટોલ પણ તૈયાર કરી રહ્યા છે. એક સાડી બનાવવામાં 20થી 25 દિવસ લાગે છે. ખાસ કરીને પાલવનું ઝીણવટભર્યું વણાટ તેની વિશેષતા છે. કાલા કોટન જેવા ઓર્ગેનિક કપાસનો ઉપયોગ કરીને પણ નવા ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે.
અરજણભાઈના મતે સરકારી સહયોગ અને કારીગરોની મહેનતથી વણાટકામને નવી દિશા મળી છે. ભુજોડીના વણકરો હવે સ્થાનિક બજારની મર્યાદા ઓળંગીને દેશ-વિદેશમાં પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. આમ, પરંપરાને જાળવી રાખવાની સાથે નવીનતાનો સ્વીકાર કરીને ભુજોડીના વણકરો કચ્છની સાંસ્કૃતિક ઓળખને વિશ્વફલક પર વધુ મજબૂત બનાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar