સગીરાના અપહરણ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: ગાંધીધામથી ફરાર આરોપીને ભિલડીમાંથી ઝડપી પાડ્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સફળ કામગીરી, 22 વર્ષીય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં સગીર વયની કિશોરીના અપહરણના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપ
ગાંધીધામ નો નાસ્તો ફરતો આરોપી પકડાયો


- ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સફળ કામગીરી, 22 વર્ષીય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ

કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં સગીર વયની કિશોરીના અપહરણના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બનાસકાંઠા જિલ્લાના ભિલડી (ડીસા) ખાતેથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીનું પગેરું મેળવી તેને કાયદાના સકંજામાં લીધો છે. આ કાર્યવાહીથી અપહરણના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીને વધુ એક સફળતા મળી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત 20 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીધામના કાર્ગો બાપા સીતારામનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી એક સગીર વયની કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2) અને 87 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અપહરણનો ભોગ બનેલી કિશોરી મળી આવી હતી, પરંતુ આ ગુનામાં સંડોવાયેલો આરોપી પોલીસની પકડથી દૂર હતો.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા દ્વારા સર્વેલન્સ ટીમને આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. દરમિયાન આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભિલડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી તપાસ હાથ ધરી હતી. આખરે અપહરણના ગુનામાં સંડોવણીના પુરાવા મળતાં 22 વર્ષીય વિજય સુરેશભાઈ શ્રીમાળી ને ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande