
- ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત રાપર પોલીસની સરાહનીય કામગીરી, છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીને પરત મળી રકમ.
કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની દિશામાં રાપર પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. લગ્નના નામે છેતરપિંડી કરતી હોવાનું પોલીસ દ્વારા ઓળખાવવામાં આવેલી ‘લૂંટારી દુલ્હન ગેંગ’ના સાગરીતો પાસેથી રિકવર કરવામાં આવેલી રૂ.1,73,500ની રકમ ફરિયાદી અને મૂળ માલિકને પરત સોંપવામાં આવી છે. ગુજરાત પોલીસના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરીથી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીને મોટી રાહત મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાપર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 દરમિયાન વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત ગુનો નોંધાયો હતો. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા ‘લૂંટારી દુલ્હન ગેંગ’ના સાગરીતો અને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી છેતરપિંડી કરીને મેળવવામાં આવેલી રૂ.1,73,500ની રકમ પણ રિકવર કરવામાં આવી હતી.
આ રકમ તેના મૂળ માલિકને પરત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પોલીસના ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનનો મુખ્ય હેતુ ગુનાઓમાં રિકવર થયેલી મિલકત અને નાણાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ માલિક સુધી પહોંચાડવાનો છે. આ જ હેતુને સાર્થક કરતાં રાપર પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી રિકવર કરેલી રૂ.1,73,500ની સંપૂર્ણ રકમ પરત સોંપી હતી.
છેતરપિંડીમાં ગુમાવેલી રકમ પરત મળતાં ફરિયાદીને આર્થિક રાહત મળી છે. સાથે જ પોલીસની આ કામગીરીથી ગુનામાં રિકવર થયેલી મિલકત મૂળ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી પ્રત્યે પોલીસ વિભાગની પ્રતિબદ્ધતા પણ ઉજાગર થઈ છે. ‘તેરા તુજકો અર્પણ’ના માધ્યમથી રાપર પોલીસે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar