
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પ્રકાશ ગોંડલીયાએ દુબઈની નોકરી છૂટી ગયા બાદ અને શેરબજારમાં મોટું આર્થિક નુકસાન થતા ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. બે દિવસ સારવાર હેઠળ રહ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકને સંતાનમાં એક પુત્રી છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
રાજકોટના મવડી 40 ફૂટ રોડ પર આવેલી મુરલીધર સોસાયટી, પટેલનગરમાં રહેતા પ્રકાશ વલ્લભભાઈ ગોંડલીયા ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે સમયે આર્થિક અને માનસિક તણાવમાં આવીને તેમણે સેલફોસ નામનો ઝેરી પાવડર પી લીધો હતો. બનાવની જાણ થતાં જ પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ગત રાતે ટૂંકી સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
બનાવ અંગેની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક પ્રકાશ ગોંડલીયા બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાના હતા. તેમના અકાળે અવસાનથી માસુમ પુત્રીએ પિતાનો સહારો ગુમાવ્યો છે.
મૃતકના ભૂતકાળ અને આપઘાત પાછળના કારણો અંગે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેઓ અગાઉ દુબઈ ખાતે આવેલી ઓઈલ રિફાઈનરીમાં નોકરી કરતા હતા. કોરોના કાળ દરમિયાન તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી તેઓ રાજકોટ પરત ફર્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ કોઈ સ્થિર કામધંધો કરતા ન હતા અને નોકરી મેળવવા માટે દુબઈ આવ-જા કરતા હતા. આ સમયગાળા દરમિયાન શેરબજારમાં રોકાણ કરતા મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. નોકરીનો અભાવ અને શેરબજારનું નુકસાન થતાં ચિંતા વધતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt