


રંગમતી રિવર રિજુવનેશન, નાઘેડી ફ્લાયઓવર, નમો ગૌરવ પાર્ક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં જનહિતલક્ષી બનાવવા સૂચન
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) :
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે શહેરના પ્રગતિ હેઠળના તથા આગામી વિકાસલક્ષી કામોની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સને ઝડપી અને વધુ જનહિતલક્ષી બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ વિકાસકામોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં કેન્દ્રની અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ - ૨૦૨૬ બાય-લોઝ તેમજ ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, સી. એન્ડ ડી. વેસ્ટ, એસ.એલ.એફ., સી.બી.જી. અને આર.ટી.એસ. જેવા ઘટકોની સમીક્ષા કરાઈ હતી. સાથે જ આવક-જાવકના હિસાબો, ટેક્સ કલેક્શન અને ટી.પી. પ્લોટના વેચાણની સ્થિતિ અંગે પણ વિગતો મેળવવામાં આવી હતી.
શહેરની કાયાપલટ કરતા પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રંગમતી રિવર રિજુવનેશન, સી.ઈ.ટી.પી. પ્લાન્ટ, સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન હેઠળ સ્લમ રી-ડેવલપમેન્ટ, ખંભાળિયા રોડ પર લહેર તળાવને નમો ગૌરવ પાર્ક યોજના હેઠળ પી.પી.પી. ધોરણે વિકસાવવા, સુભાષ માર્કેટનું રિનોવેશન-રી-ડેવલપમેન્ટ અને માંડવી ટાવર તથા બર્ધન ચોક ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત ત્રણ સ્થળે નવા વેજીટેબલ માર્કેટ, રીજીઓનલ કન્વેન્શન સેન્ટર, એરપોર્ટ રોડ અને જી.ટી.એમ.સી. રોડ ડેવલપમેન્ટ તથા નાઘેડી બાયપાસ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ અંગે વિમર્શ કરી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિઆ, નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, બીનાબેન કોઠારી, વિજયસિંહ જેઠવા, ભાવેશ કાનાણી, મૃગેશ દવે, સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને જિગ્નેશ નિર્મલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt