




પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના
અધ્યક્ષ સ્થાને નવયુગ વિદ્યાલય - પોરબંદર ખાતે વિજ્ઞાનભવનના નવીનીકરણના દાતાઓ તથા
વિજ્ઞાન ભવનના મુખ્ય દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન
મોઢવાડિયાએ નવયુગ એજ્યુકેશન સોસાયટીના ભવ્ય ઇતિહાસ અને તેના સ્થાપકોના યોગદાનને
યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આઝાદી અને ભાગલાના કપરા સમયમાં કરાચી
છોડીને આવેલા કેળવણીકારો અને દાતાઓના સહયોગથી પોરબંદરમાં શિક્ષણની આ સંસ્થાઓનો
પાયો નંખાયો હતો, જેમાંથી ભણીને હજારો વિદ્યાર્થીઓએ
પોતાના પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે.
મંત્રીએ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેના પોતાના સંસ્મરણો વાગોળતા તત્કાલીન
શિક્ષકોની નિષ્ઠા, રમતગમત પ્રત્યેના પ્રોત્સાહન અને
શિસ્તબદ્ધ વાતાવરણની સરાહના કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિદેશ કે
બહારગામ વસતા પોરબંદરના દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ પોતાની માતૃસંસ્થા
પ્રત્યે અપાર પ્રેમ અને ઋણ અદા કરવાની ભાવના ધરાવે છે, જેના થકી સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થઈ
રહ્યો છે. હાલના સમયમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓની ગુણવત્તા પર ભાર મૂકતા
મંત્રીએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ પરીક્ષાઓ જેવી કે IAS અને IPS પાસ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં જ ભણેલા હોય છે, તેથી ખાનગી શાળાઓની દોટ મૂકવાને બદલે
સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ. વર્તમાન યુગમાં ટેકનોલોજીના
ઝડપી બદલાવનો ઉલ્લેખ કરતા અર્જુનભાઈ મોઢવાડિયાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત
અપડેટ રહેવા આહ્વાન કર્યું હતું.
અંતમાં, તેમણે આશા વ્યક્ત કરી હતી કે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસો અને સમર્પિત ભાવથી
પોરબંદરની આ શૈક્ષણિક સંસ્થાઓ ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે અવ્વલ નંબરે પહોંચશે અને
આવનારા પચાસ વર્ષ સુધી સમાજને શ્રેષ્ઠ નાગરિકો આપતી રહેશે.
વિજ્ઞાનભવનના મુખ્ય દાતા શરદભાઈ રૂપારેલે
સંસ્થા સાથે જોડાયેલી ભૂતકાળના સ્મરણ યાદ કર્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે
સંસ્થાને યોગદાન આપી શક્યા તે પોતાના માટે ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું.
નવયુગ વિદ્યાલય - પોરબંદરના આચાર્ય તુષારભાઈ
પુરોહિત દ્વારા પ્રાસંગિક ઉદ્ભોદન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાલયના
વિકાસકાર્યોમાં સતત યોગદાન અને હકારાત્મક અભિગમ બદલ મંત્રીઅર્જુન મોઢવાડીયા સહિત દાતાઓ, ટ્રસ્ટીઓ અને એલુમની એસોસિએશનના
હોદ્દેદારો - સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલય પોરબંદરના
સ્થાપનકાળથી આજ સુધીની વિકાસયાત્રને આવરી લેતી શિરીષ નામની બુકલેટ
વિતરિત કરવામાં આવી હતી.નવયુગ એલુમની એસોસિએશન ફેઝ 2 ન પ્રમુખ ઋષાબેન પરીખ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, નવયુગ એડ્યુકેશન સોસાયટી પોરબંદરના
પ્રમુખ લક્ષ્મણભાઈ ઓડેદરા,અગ્રણીસર્વ સામતભાઈ ઓડેદરા, ડૉ. સુરેશ ગાંધી, મુખ્ય દાતા શરદભાઈ રૂપારેલ સહિત
એસોસિએશન ફેઝ 2 ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya