
નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે આચાર્ય કૃષ્ણમણિની નિશ્રામાં પદયાત્રા યોજાશે
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) :
જામનગરના પ્રમુખ તીર્થધામ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ૨૪ નવેમ્બર, મંગળવાર અને કારતક સુદ પૂનમના દિવસે પરંપરાગત ‘પૃથ્વી પરિક્રમા’નું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય કૃષ્ણમણિની નિશ્રામાં સવારે ૬:૦૦ કલાકે ધર્મધ્વજા સાથે પ્રારંભ થનારી આ પદયાત્રા મૂળમિલાવા ખાતે પહોંચશે, જ્યાં પૂજન-આરતી, મહેર સાગરના પાઠ, સત્સંગ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના તીર્થધામ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે, આગામી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ કારતક સુદ પૂનમના દિવસે પરંપરાગત 'પૃથ્વી પરિક્રમા' (પ્રભાત ફેરી)નું આયોજન કરાયું છે. મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે આચાર્ય કૃષ્ણમણિની નિશ્રામાં સવારે ૬:૦૦ કલાકે નવતનપુરી ધામથી ધર્મની ધ્વજા સાથે આ પદયાત્રાનો પ્રારંભ થશે.
યાત્રામાં જોડાનારા પદયાત્રીઓ ભજન-કીર્તન, ધૂન અને મહેર સાગરના ગાન સાથે મૂળમિલાવા ખાતે પહોંચશે. જ્યાં અગાઉ ૧૨,૦૦૦ પારાયણ સંપન્ન થયા હતા તે પવિત્ર સ્થળે પૂજન, આરતી, મહેર સાગરના પાઠ અને સત્સંગ યોજાશે. કાર્યક્રમ બાદ ભોજન-પ્રસાદની વ્યવસ્થા રખાઈ છે અને ભાવિકોને પરત ફરવા નગરપાલિકાની બસ તથા અન્ય વાહનોની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
આ પર્વના ધાર્મિક મહત્ત્વ મુજબ, કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન ગણેશે માતા-પિતા શિવ અને પાર્વતીની પરિક્રમા કરી હતી, જેને શાસ્ત્રોમાં સમગ્ર પૃથ્વીની પરિક્રમા સમાન ગણવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પરિક્રમા અને નર્મદા પરિક્રમાનું પણ વિશેષ માહાત્મ્ય છે. બુંદેલ નરેશ મહારાજા છત્રસાલના મતે પરિક્રમા કરવાથી જીવના કર્મબંધન છૂટે છે. મહામતિ પ્રાણનાથે નવતનપુરી ધામને ચૌદલોકમાં શ્રેષ્ઠ સ્થાન ગણાવ્યું છે, જ્યાં સ્વયં રાજશ્યામા બિરાજે છે અને પરમધામ, વ્રજ, રાસ તથા જાગણીની લીલાઓ પ્રગટ રૂપે છે.
કારતક સુદ પૂનમ એ નવતનપુરી ધામનો સ્થાપના દિવસ હોવાથી, આ દિવસે પરિક્રમા કરવાથી સમગ્ર પૃથ્વી અને પરમધામ સુધીના દર્શન તથા પરિક્રમાનું એકસાથે ફળ પ્રાપ્ત થાય છે. આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા જામનગર અને આસપાસના વિસ્તારના સુંદરસાથ અને ભાવિકોને મોટી સંખ્યામાં જોડાવા કિંજલ કારસરીયાની યાદીમાં અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt