
જનપ્રતિનિધિઓના પ્રશ્નો સમય મર્યાદામાં ઉકેલવા કલેક્ટરનું અધિકારીઓને સૂચન
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો અને જનપ્રતિનિધિઓની રજૂઆતો પર ચર્ચા કરીને હકારાત્મક અભિગમ સાથે સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચન અપાયું હતું. પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપી ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીએ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ઇ-કેવાયસી અને ધ્રોલ તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાના મુદ્દા રજૂ કર્યા હતા. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે કેનાલ સફાઈ, ડીસિલ્ટિંગ, ચેકડેમ સમારકામ, જમીન રી-સર્વે, બેંક ધિરાણ અને એસ.ટી. વિભાગને લગતી રજૂઆતો કરી હતી.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ગ્રામ્ય વિસ્તારોના રસ્તા, પાણી પુરવઠો, એસ.ટી. બસ સેવા, સિંચાઈ અને વીજળી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં વીજ સર્વિસ લાઇનનું સ્થળાંતર, જોડિયા તાલુકાના બાલંભામાં પુલની કામગીરીને કારણે બંધ રસ્તા પર વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા તેમજ તળાવ અને ચેકડેમની મરામત અને નિર્માણની માંગ કરી હતી.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આરોગ્ય, પાણી પુરવઠો, સિંચાઈ, માર્ગ-મકાન અને ખેડૂતોના પ્રશ્નોમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં જગ્યાઓની વિગતો, સરપ્રાઈઝ ચેકિંગ, કર્મચારી હાજરી, જૂથ પાણી પુરવઠા યોજનાઓ, બિયારણ વિતરણ, ખેતીવાડી વીજ જોડાણ અને માર્ગોના બાકી કામોની પ્રગતિ અંગે રજૂઆત કરી હતી. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લક્ષ્મીબેન વારસકિયાએ સિંચાઈ અને પીજીવીસીએલના પ્રશ્નો રજૂ કર્યા હતા, જ્યારે બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. ઝાલા, પ્રાંત અધિકારીઓ અને સમિતિ સભ્યો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt