



પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવઉઠી અગિયારસના પવિત્ર પર્વ નિમિત્તે શનિવારે રાત્રે તુલસીવિવાહનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના બતીવાડા વિસ્તારમાં રહેતા યજમાન રાકેશ ચુનીલાલ અને તેમના પત્ની નયનાબેનના નિવાસસ્થાનેથી વાજતે-ગાજતે ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જે શહેરના માર્ગો પરથી પસાર થઈ મંદિર પરિસર ખાતે પહોંચ્યો હતો.
મંદિર પરિસરમાં વરઘોડાનું આગમન થયા બાદ યજમાન પરિવારના પદે તુલસી વિવાહની ધાર્મિક વિધિ યોજાઈ હતી. મંદિરના પૂજારી શિવમ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ, મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરા મુજબ તુલસીવિવાહ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધાર્મિક વિધિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ધાર્મિક પ્રસંગે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નવીન કાલિકા માતાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ તુલસીવિવાહનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ આયોજકો દ્વારા કરવામાં આવેલી પ્રસાદની વ્યવસ્થાનો લાભ લીધો હતો. દેવઉઠી અગિયારસના પવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ