
ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા તેમજ નકલી વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : દેશમાં વધી રહેલી મોંઘવારી અને બજારમાં વેચાતી ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વિરોધમાં, જામનગર શહેર-જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પક્ષના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ અને કોર્પોરેટર જેનમ ખફી સહિતના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, સામાન્ય જનતાને રાહત આપવા તેમજ ભાવ વધારા પર તાત્કાલિક અંકુશ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
દેશમાં ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં, સતત વધારો થઈ રહ્યો છે. આ અસહ્ય મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ ગંભીર મુદ્દે જામનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બેનરો ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ તેમજ કોર્પોરેટર જેનમ ખફી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, એક તરફ જનતા પર મોંઘવારીનો બેવડો માર પડી રહ્યો છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની રહી છે.
આથી સરકાર દ્વારા ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા, બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવા તેમજ મોંઘવારીથી સામાન્ય જનતાને તાત્કાલિક રાહત મળે તેવા નક્કર પગલાં ભરવા આવેદનપત્ર દ્વારા આગેવાનોએ રજૂઆત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt