




- રામ ભરવાડ, સુનિતા ભરવાડ અને મુન્ના ભરવાડના સુરે શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા
- ગોપાલનગરથી ભગવાન શાલિગ્રામની ભવ્ય જાન વાજતે-ગાજતે જનતા નગર મુકામે પહોંચી.
- ગણેશ સ્થાપના, મહાપ્રસાદ અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે તુલસીવૃંદા અને ભગવાન શાલિગ્રામના દિવ્ય લગ્નોત્સવમાં સૌ જોડાયા.
ભરૂચ, 22 નવેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર જીઆઈડીસી નજીક ગોપાલનગર ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિક્રમ સંવત 2083, કારતક સુદ-11 દેવઉઠી એકાદશી નિમિત્તે આયોજિત ભવ્ય શ્રી તુલસી વિવાહ મહોત્સવ અત્યંત શ્રદ્ધા, ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. ત્રણ દિવસ દરમિયાન યોજાયેલા આ ત્રિ-દિવસીય ધાર્મિક ઉત્સવમાં શ્રી તુલસીવૃંદા અને ભગવાન શાલિગ્રામના દિવ્ય લગ્નોત્સવના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
મહોત્સવનો પ્રારંભ સવારે 09:00 કલાકે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગણેશ સ્થાપનાથી કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સાંજે 07:00 કલાકે સૌ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતુ. રાત્રે 09:00 કલાકે ભવ્ય રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કલાકારો રામ ભરવાડ, સુનિતા ભરવાડ અને મુન્ના ભરવાડની રમઝટ પર સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પરંપરાગત વેશભૂષામાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
મહોત્સવના મુખ્ય દિવસે ત્રીજા દિવસે સાંજે 06:00 કલાકે ગોપાલનગર ખાતેથી ભગવાન શાલિગ્રામની ભવ્ય જાન પ્રસ્થાન પામી હતી. ઢોલ-નગારા અને 'જય ઠાકર'ના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રા ગોપાલનગરથી નીકળી જનતા નગર મુકામે પહોંચી હતી. જ્યાં ભવ્ય સ્વાગત બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસીવૃંદા અને ભગવાન શાલિગ્રામના શુભ વિવાહ સંપન્ન થયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણ ઠાકર બાપાની ભરવાડ સમાજ, અંકલેશ્વર દ્વારા રેલવે ક્રોસિંગ પરથી જાન લઈ જવામાં આવી રહી હતી.આ પાવન પ્રસંગે ભારતીય રેલવે દ્વારા જે સુંદર સહકાર અને ભાવભર્યું સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય રેલવે દ્વારા આખી ટ્રેન રોકીને, ટ્રેનના લોકો પાઇલટ દ્વારા જગતના નાથ જગન્નાથજીની આરતી ઉતારી, ટ્રેનના હોર્ન દ્વારા સલામી આપી અને ત્યારબાદ જાનને આગળ જવા માટે રવાના કરવામાં આવી હતી.ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલું આ અનોખું સન્માન અને સહયોગ હંમેશાં યાદગાર બની રહેશે.તે બદલ ગોપાલનગર ભરવાડ સમાજ, અંકલેશ્વર તરફથી ભારતીય રેલવેનો તેમજ ખાસ કરીને સમગ્ર વ્યવસ્થામાં માર્ગદર્શન અને સહયોગ આપનાર ભરત ભરવાડ પ્રત્યે પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગોપાલનગર સમસ્ત ભરવાડ સમાજના કાર્યકરો, યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ