

પોરબંદર , 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે શનિવારે અટલ ભવન, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના વિચારો, બંધારણના મૂલ્યો અને દેશના લોકશાહી માળખામાં તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલ કોટેચા અને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કિરીટ સાદિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી પાછળનો હેતુ અને ભારતીય લોકશાહીમાં બંધારણનું મહત્વ સમજાવ્યું હતું.
પ્રેસ
કોન્ફરન્સમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને મજબૂત બંધારણીય વ્યવસ્થા આપવા માટે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. બંધારણ માત્ર કાયદાકીય દસ્તાવેજ નથી, પરંતુ દેશના દરેક નાગરિકને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને
અધિકારોની ખાતરી આપતું પાયાનું
માળખું છે તેવો મત રજૂ કરવામાં આવ્યો હતો. લોકશાહીની મજબૂતી માટે બંધારણીય મૂલ્યોનું પાલન અને નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
આંબેડકરના વિચારો, સામાજિક સમાનતાનો સંદેશ, રાષ્ટ્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દેશના નાગરિકોમાં બંધારણ પ્રત્યે ગૌરવ અને લોકશાહી પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવા વિચારો પણ રજૂ કરાયા હતા. ભાજપના અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી હતી અને સંવિધાન ગૌરવ દિવસના મહત્વને જનજન સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya