પાટણમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષક સ્નેહમિલન યોજાયું, ‘સ્માઈલ’ યોજનામાં સહભાગી બનવા શિક્ષકોની ખાતરી
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા 22 નવેમ્બર, 2026ના રોજ શ્રી પાટણવાડા ઔદિચ્ય બ્રહ્મસમાજ બોર્ડિંગ ખાતે શિક્ષક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા
પાટણમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષક સ્નેહમિલન યોજાયું, ‘સ્માઈલ’ યોજનામાં સહભાગી બનવા શિક્ષકોની ખાતરી


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા 22 નવેમ્બર, 2026ના રોજ શ્રી પાટણવાડા ઔદિચ્ય બ્રહ્મસમાજ બોર્ડિંગ ખાતે શિક્ષક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. GCERT, ગાંધીનગરથી આવેલા પુલકિતભાઈ જોશીએ શિક્ષકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા અને ટ્રસ્ટની સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી શિક્ષકોને તેમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.

ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપતાં નરેશકુમાર દવેએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, દિલ્હી દ્વારા અનુદાનિત તથા જિલ્લા સમાજ સુરક્ષા યોજના, પાટણના માર્ગદર્શન હેઠળ ‘સ્માઈલ’ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત પાટણમાં ભિક્ષાવૃત્તિ કરતા લોકોને 6 મહિનાથી 3 વર્ષ સુધી આશ્રય, બંને સમયનું ભોજન, ચા-નાસ્તો અને બે જોડી કપડાં વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથે જ લાભાર્થીઓની વ્યક્તિગત, પારિવારિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરી તેમની રુચિ અને ક્ષમતા મુજબ સિક્યુરિટી ગાર્ડ, સિલાઈકામ, બાગાયત, હસ્તકલા અને હાઉસકીપિંગ જેવી તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વરોજગાર કે નોકરી મેળવી આત્મનિર્ભર બની શકે.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પાસેથી યોજનાને વધુ અસરકારક બનાવવા અંગે સૂચનો લેવામાં આવ્યા હતા. ઉપસ્થિત શિક્ષકોએ ‘સ્માઈલ’ યોજનાને સફળ બનાવવા માટે પોતાની ઉપયોગિતા અને સક્રિય ભાગીદારી નોંધાવવાની ખાતરી આપી હતી. શિક્ષકોને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ સમાજના જરૂરિયાતમંદ લોકોને સ્વમાનભેર જીવન જીવવામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અલ્પેશભાઈ, ચેતનાબેન તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સૌએ સાથે સ્નેહભોજન લીધું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande