
ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીની શરૂઆતના ૨૨ વર્ષ પૂર્ણ થતાં ૨૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે દૂધ ખરીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને સર્વોત્તમ પરિવારના અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સંસ્થાની સ્થાપના અને વિકાસ માટે એચ.આર. જોષીએ કરેલા સંઘર્ષ અને યોગદાનને યાદ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના પારદર્શક વહીવટ અને કુશળ માર્ગદર્શન હેઠળ સંસ્થાએ વિકાસની હરણફાળ ભરી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. ૯૫૦નો રેકોર્ડબ્રેક ભાવ ચૂકવી પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધારવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જોષીનું જીવન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમની વ્યસનમુક્તિ ઝુંબેશથી સર્વોત્તમ પરિવાર વ્યસનમુક્ત બન્યો છે. તેમના આધ્યાત્મિક અભિગમથી સંસ્થામાં કાર્યની સાથે સંસ્કાર અને આધ્યાત્મિકતાનું વાતાવરણ પણ ઊભું થયું છે.
ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષીએ સંસ્થાના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી અને ભાવનગર જિલ્લામાં બ્રાઝિલ જેવી આધુનિક ડેરી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં એચ.આર. જોષીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી આગામી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. પશુપાલકોને ઉત્તમ ભાવ આપી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો સંસ્થાનો મૂળ હેતુ સાકાર થઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA