
ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા, અકસ્માત સંભવિત વિસ્તારોમાં સુરક્ષાત્મક વ્યવસ્થાઓ ઊભી કરવા અને માર્ગ સલામતીના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના તમામ બ્લેક સ્પોટની સમીક્ષા કરી અકસ્માત નિવારણ માટે જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને શાળા વિસ્તારોમાં માર્ગ સલામતીનાં પગલાં લેવા તેમજ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલથી જેલ રોડ સુધી સેફ સ્કૂલ ઝોન અંતર્ગત જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થાઓ ઊભી કરવા ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત તરસમિયા રોડ જંકશન પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા અને મંત્રેશથી એરપોર્ટ રોડ પર ચાલી રહેલી કામગીરીને ઝડપી બનાવવા સૂચના અપાઈ હતી.
ભાવનગર-વલ્લભીપુર હાઈવે પરના ગેરકાયદે મિડિયન કટ તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. સરકારી ખર્ચે બનાવેલા જાહેર માર્ગો પર કોઈ વ્યક્તિ ગેરકાયદે મિડિયન કટ કરે તો જવાબદાર સામે એફ.આઈ.આર. નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં ભાવનગર શહેરના ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક પ્રોજેક્ટ તેમજ રંઘોળાથી લીમડા રોડ પર ડિવાઈડરની સમસ્યા અંગે પણ ચર્ચા થઈ હતી. આર.ટી.ઓ. દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગ સલામતી માટે વિવિધ વિભાગોએ કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA