રાજકોટ જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક, તોડી પાડવા કલેક્ટરની સૂચના
જિલ્લા એન્કોર્ડની બેઠકમાં ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા પર ભાર મુકાયો રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાર્કો કોર્ડિનેશન સેન્ટર (એન્કોર્ડ)ની બેઠક યોજાઈ હતી. ૨૦૨૯ સુધીમાં દે
રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ


જિલ્લા એન્કોર્ડની બેઠકમાં ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવા પર ભાર મુકાયો

રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાર્કો કોર્ડિનેશન સેન્ટર (એન્કોર્ડ)ની બેઠક યોજાઈ હતી. ૨૦૨૯ સુધીમાં દેશને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત, જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક તોડી પાડવા અને યુવાનોને નશાથી દૂર રાખવા માટે કલેક્ટરે પોલીસ તથા સંબંધિત વિભાગોને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

રાજકોટ ખાતે યોજાયેલી જિલ્લા એન્કોર્ડની બેઠકમાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રગ્સની માગ, હેરાફેરી અને ડિલિવરીના નેટવર્ક પર સઘન વોચ રાખીને તેને નેસ્તનાબૂદ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે પોલીસ તંત્રને વધુ સક્રિય થવા, જરૂર પડ્યે બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવવા અને ડ્રગ્સના કેસોમાં અત્યંત કડકાઈથી કામગીરી કરવા આદેશ આપ્યો હતો. દેશને ૨૦૨૯ સુધીમાં ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવા ચાલી રહેલા ‘નશામુક્ત ભારત’ અભિયાન હેઠળ યુવાનોને નશાની ચુંગાલમાંથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવાયું હતું.

બેઠકમાં એસ.ઓ.જી. (SOG) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લાની શાળા-કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસના ૧૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને નાર્કોટિક્સના સેવનથી થતા નુકસાન અંગે જાગૃત કરી, પોતે તથા પોતાના પરિવારને વ્યસનથી દૂર રાખવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજ સુરક્ષા કચેરી દ્વારા લોધિકા અને કોટડાસાંગાણી વિસ્તારની હોસ્પિટલો અને ગ્રામ પંચાયતોમાં પણ 'નશામુક્ત અભિયાન' અંતર્ગત જાગૃતિ લાવી શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

પોલીસની કામગીરીની સમીક્ષા દરમિયાન જણાવાયું હતું કે, ગત માસમાં રાજકોટ જિલ્લામાં ગાંજાના બે કેસો શોધી કાઢીને કુલ રૂ. ૫.૬૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર અતુલસિંઘ, વિવિધ પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande