સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ટિકિટના દર ઘટાડવાની માંગ, કોર્પોરેટર વિકાસ પ્રજાપતિએ નિઃશુલ્ક પાસ લેવાનો કર્યો ઇનકાર
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાયેલો પરંપરાગત મેળો ગઈકાલથી શરૂ થયો છે. મેળામાં સિદ્ધપુર શહેર સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જોકે, મેળામાં ચકડોળ સહિતનાં મનોરંજનનાં સાધનો માટે વ્યક્તિદ
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ટિકિટના દર ઘટાડવાની માંગ, કોર્પોરેટર વિકાસ પ્રજાપતિએ નિઃશુલ્ક પાસ લેવાનો કર્યો ઇનકાર


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાયેલો પરંપરાગત મેળો ગઈકાલથી શરૂ થયો છે. મેળામાં સિદ્ધપુર શહેર સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જોકે, મેળામાં ચકડોળ સહિતનાં મનોરંજનનાં સાધનો માટે વ્યક્તિદીઠ રૂ. 100 ટિકિટ દર રાખવામાં આવતાં સામાન્ય અને મધ્યમ વર્ગનાં પરિવારોને આર્થિક બોજ પડતો હોવાનો મુદ્દો ઉઠ્યો છે.

આ મામલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર ડો. વિકાસ હસમુખભાઈ પ્રજાપતિએ તારીખ 22 નવેમ્બર, 2026ના રોજ સિદ્ધપુરના પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોને પરવડે તેવા દરે ટિકિટ ઉપલબ્ધ કરાવવા તેમજ ચકડોળ અને અન્ય મનોરંજનનાં સાધનોના ટિકિટ દર ઘટાડવા માંગ કરી છે. મેળો શરૂ થઈ ગયો હોવાથી તેમણે ચાલુ મેળામાં જ તાત્કાલિક નિર્ણય લઈ જરૂરી કાર્યવાહી કરવા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે.

વધુમાં ડો. વિકાસ પ્રજાપતિએ કોર્પોરેટર તરીકે મળવાપાત્ર નિઃશુલ્ક પાસ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, લોકપ્રતિનિધિ તરીકે વિશેષ સુવિધાનો લાભ લેવાને બદલે સામાન્ય નાગરિકોને પણ પરવડે તેવા દરે મેળાનો આનંદ માણવાની તક મળવી જોઈએ. તેમની આ રજૂઆતથી મેળામાં મનોરંજનનાં સાધનોના ટિકિટ દરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande