
-ત્રણ દિવસની સઘન તપાસમાં 61 નમૂના લેબોરેટરીમાં મોકલાયા,
-12 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં ઉત્પાદકના નામના બોર્ડ લગાવાયા
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામેથી ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયા બાદ, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ત્રણ દિવસીય સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે શહેરમાં પ્રવેશતા દૂધના જથ્થાની ગુણવત્તા ચકાસવા માટે તંત્ર દ્વારા 61 વિક્રેતાઓ પાસેથી દૂધ અને ઘીના નમૂના એકત્ર કરીને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 170 લીટર શંકાસ્પદ દૂધનો સ્થળ પર જ નાશ કરાયો છે.
ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ પી. જાસોલિયાના માર્ગદર્શન હેઠળ છ ફૂડ સેફ્ટી ઓફિસરો અને ત્રણ લેબોરેટરી ટેકનિશિયનોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ તારીખ 18, 19 અને 20 નવેમ્બર દરમિયાન વહેલી સવારથી જ તપાસ શરૂ કરી હતી. પ્રથમ દિવસે શહેરમાં પ્રવેશતા દૂધના વાહનો અને ફેરિયાઓની, બીજા દિવસે દૂધ ઉત્પાદકો તથા ઘીના વિક્રેતાઓની અને ત્રીજા દિવસે ખોડિયાર કોલોની વિસ્તારના દૂધ વિક્રેતાઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન તંત્ર દ્વારા, દૂધની ગુણવત્તા ચકાસવા માટે ખાસ 'ઈન્ડિફોર્સ' (IndiFoss) મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની મદદથી દૂધમાં પાણી કે અન્ય પદાર્થોની ભેળસેળ તરત જ પકડી શકાય છે. આ મશીન દ્વારા ચકાસણી દરમિયાન શંકાસ્પદ જણાતા 170 લીટર દૂધનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરના 12 જેટલા આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને ફૂડ સેફ્ટી કાયદા મુજબ આઈસ્ક્રીમ અને ડેઝર્ટના ઉત્પાદકના નામ દર્શાવતા ડિકલેરેશન બોર્ડ પણ ડિસ્પ્લે કરાવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt