
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમની ક્ષમતાનો પરિચય કરાવતા ગીર સોમનાથ જિલ્લાના કાર્તિક આવ્હાડે રાષ્ટ્રીય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
બેંગ્લોર ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના પસંદગી પામેલા આઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાર્તિકે પ્રથમ સ્થાન મેળવવાની સાથે ₹૧,૦૦,૦૦૦નું રોકડ પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી વિદ્યાર્થી, શાળા પરિવાર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
આ અંગે માહિતી આપતાં ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગરની પ્રેરણાથી તથા પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (D.E.O.) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (D.P.E.O.) કચેરીના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં માહિતી અને ટેક્નોલોજી અંગે જાગૃતિ, ડિજિટલ જ્ઞાન, તાર્કિક વિચારશક્તિ તથા સ્પર્ધાત્મક અભિગમ વિકસે તેવા હેતુથી રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
આ આયોજન અંતર્ગત તા. ૦૬/૧૦/૨૦૨૬ના રોજ શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૮થી ૧૨માં અભ્યાસ કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ૧૨ વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.
ત્યારબાદ ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય કેમ્પસના LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ ખાતે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે રાજ્યકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી કાર્તિક આવ્હાડે ઉત્કૃષ્ટ જ્ઞાન અને પ્રતિભાનું પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ભવ્ય સફળતાના પરિણામે તેની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.
સફળતાની આ યાત્રાને આગળ વધારતાં તા. ૧૯/૧૧/૨૦૨૬ના રોજ બેંગ્લોર ખાતે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૮ રાજ્યો અને ચાર યુનિયન ટેરીટરી માંથી પસંદગી પામેલા આઠ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં કાર્તિક આવ્હાડે પોતાની અદભુત જ્ઞાનક્ષમતા, આત્મવિશ્વાસ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ સાથે તેણે ₹૧,૦૦,૦૦૦નું રોકડ પ્રોત્સાહક ઇનામ મેળવી ગીર સોમનાથ જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું છે.
કાર્તિકની આ ઐતિહાસિક સફળતાને બિરદાવતાં આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય તથા માર્ગદર્શક શિક્ષક પ્રતિકભાઈ ધારૈયાએ અભિનંદન પાઠવ્યાં હતાં. આ ઉપરાંત ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા, સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી તથા આઈ.પી. ઓફિસર પ્રશાંતભાઈ બારડે પણ વિદ્યાર્થીની આ સિદ્ધિને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના ચેરમેન શા. સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજીએ પણ કાર્તિકને હાર્દિક અભિનંદન પાઠવી તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.
કાર્તિક આવ્હાડની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની અપાર ક્ષમતા રહેલી છે. જરૂર છે માત્ર યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તકની. રૂરલ આઈ.ટી. ક્વિઝ જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારશક્તિ, ડિજિટલ સાક્ષરતા, નવી ટેક્નોલોજી પ્રત્યેની જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને ઉજાગર કરવા, તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા પ્રદર્શન માટે યોગ્ય મંચ પૂરો પાડવાના પ્રયાસો સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ