

પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે કારતક પૂનમ નિમિત્તે યોજાયેલા મેળામાં મુલાકાતીઓને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે હેતુથી પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર એન.જે. ત્રિવેદી અને ફૂડ સેફ્ટી વાનની ટીમે મેળાના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ અને એકમોની આકસ્મિક તપાસ કરી હતી. જેમાં કુલ 27 ખાદ્ય પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કેટલાક એકમોમાંથી વેચાણ માટે રાખવામાં આવેલો આશરે 55 કિલો અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રની ટીમે આ તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
મેળામાં આવતા નાગરિકો અને શ્રદ્ધાળુઓના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે તેમજ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા આ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ