


જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારના 'ઓપરેશન હેલ્થ' અભિયાન અંતર્ગત જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ કામગીરીમાં જામનગર-ખંભાળિયા હાઈવે પરની ૧૧ હોટલોમાં તપાસ કરી બે હોટલને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ અપાઈ છે. આ ઉપરાંત, રવાણી ખીજડીયાની એક પેઢીમાંથી રૂ. ૩.૨૪ લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરી ૫૦૦ લિટર એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 'ઓપરેશન હેલ્થ' અંતર્ગત આરોગ્યમંત્રી અને ફૂડ સેફ્ટી કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જિલ્લામાં ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી ૧૧ હોટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા હોટલની સ્વચ્છતા, રો-મટિરિયલ, કામદારોનું સ્વાસ્થ્ય, પીવાનું પાણી, રસોડું અને પીરસવામાં આવતા ખોરાક સહિત વાસણોની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમો અને કાયદાની જોગવાઈઓ અંગે હોટલ સંચાલકોને માહિતગાર કરી સ્થળ પર જરૂરી સુધારા કરવા સૂચના અપાઈ હતી, જ્યારે ક્ષતિઓ જણાતા ૨ હોટલને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે જનજાગૃતિ લાવવા ૯ પેઢીઓમાં તપાસ કરાઈ હતી. વેપારીઓને આ બંને ઉત્પાદનો વચ્ચેનો તફાવત સમજાવી નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું તથા વેચાણની સ્પષ્ટતા કરતા પોસ્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
બીજી તરફ, પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રવાણી ખીજડીયા ખાતે આવેલી મે. ક્રિષ્ના ટ્રેડિંગ એન્ડ કંપનીમાં તપાસ કરાઈ હતી. અહીંથી 'KT Bandhan Pure Cow's Ghee' ના ૨૦૦ મિલી પેકનો નમૂનો પૃથ્થકરણ માટે લઈ, બાકી રહેલો રૂ. ૩,૨૪,૦૦૦ ની કિંમતનો ૨,૧૬૦ પેકનો જથ્થો જપ્ત કરાયો હતો. તદુપરાંત, સ્થળ પરથી મળી આવેલો એક્સપાયર થયેલો અને લેબલ વગરનો અંદાજે ૫૦૦ લિટર ઘીનો જથ્થો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ પેઢીમાંથી શંકાસ્પદ ઘી અંગે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે 'ખુશાલી પ્યોર કાઉસ ઘી' ના ૫૦૦ મિલી પેકનો નમૂનો પૃથ્થકરણ માટે કબજે લઈ રૂ. ૭૬,૯૬૦ ની અંદાજિત કિંમતનો ૧૪૮ લિટર જથ્થો જપ્ત કરાયો હતો. હાલ તમામ નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જામનગર ફૂડ વિભાગની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt