જામનગર : ધ્રોલ તાલુકાના લતીપર ગામે, વાડીના ગોડાઉનનું તાળું તોડી રૂ.૭૨ હજારના ૪૦ મણ કપાસની ચોરી
ખેડૂતે સાત દિવસની મહેનત બાદ ૧૧૦ મણ કપાસનો જથ્થો ગોડાઉનમાં રાખ્યો હતો, -રાત્રિના સમયે તસ્કરો ખાતર પાડી પલાયન થતાં ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે તસ્કરોએ એક ખેડૂતની વાડીના ગોડાઉનને ન
ફરિયાદ


-ખેડૂતે સાત દિવસની મહેનત બાદ ૧૧૦ મણ કપાસનો જથ્થો ગોડાઉનમાં રાખ્યો હતો,

-રાત્રિના સમયે તસ્કરો ખાતર પાડી પલાયન થતાં ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ

જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે તસ્કરોએ એક ખેડૂતની વાડીના ગોડાઉનને નિશાન બનાવ્યું છે. ગોડાઉનના દરવાજાનું તાળું તોડી અજાણ્યા શખ્સો રૂ. ૭૨ હજારની કિંમતનો ૪૦ મણ કપાસ ચોરી ગયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ધ્રોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા લતીપર ગામની રામાણી શેરીમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા હીતેશભાઈ અરજણભાઈ રામાણી (ઉંમર ૪૧)ની ખેતીની જમીન લતીપરથી પીઠડ જવાના માર્ગ પર આવેલી છે. હાલ કપાસની સિઝન ચાલી રહી હોવાથી તેમણે પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકની સાત દિવસ સુધી વીણવાની કામગીરી કરી હતી. ગત તારીખ ૧૯ના રોજ સાંજે આ કામગીરી પૂર્ણ થતાં તેમણે તમામ જથ્થો સુરક્ષિત રીતે વાડીના ગોડાઉનમાં એકત્રિત કર્યો હતો.

ગોડાઉનમાં અંદાજે ૧૧૦ મણ જેટલો કપાસનો જથ્થો રાખ્યા બાદ હીતેશભાઈ, દરવાજાને વ્યવસ્થિત તાળું મારીને પોતાના ઘરે પરત ફર્યા હતા. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ વાડીના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો ગોડાઉનમાં રાખેલા કપાસના જથ્થામાંથી આશરે ૪૦ મણ કપાસ, જેની બજાર કિંમત રૂ. ૭૨ હજાર જેટલી થાય છે, તેની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.

બીજા દિવસે એટલે કે, તારીખ ૨૦ના રોજ સવારે જ્યારે ખેડૂત હીતેશભાઈ રાબેતા મુજબ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ગોડાઉનના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું જોવા મળ્યું હતું. તેમણે અંદર જઈને તપાસ કરતાં કપાસનો જથ્થો વેરવિખેર હાલતમાં હતો અને તેમાંથી ૪૦ મણ જેટલો કપાસ ઓછો જણાયો હતો. પોતાની સાથે થયેલી આ ચોરી અંગે હીતેશભાઈ રામાણીએ તાત્કાલિક ધ્રોલ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande