
રંગમતી નદી પરના બ્રિજનું કામ બંધ હોવાનો ખુલાસો, વડાપ્રધાનના કાર્યક્રમના રૂ. ૪ કરોડના ખર્ચ મુદ્દે વિપક્ષના આકરા સવાલો
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં ધનિષ્ઠ વનીકરણ માટે કોર્પોરેશનના બે વિશાળ પ્લોટ રાજ્યના વન વિભાગને સોંપવા તેમજ ખંભાળીયા અને રાજકોટ રોડ પરના અન્ય બે પ્લોટ ધંધાદારી ધોરણે, ટ્રાવેલ્સ અને કંપનીઓની બસોના પાર્કિંગ માટે ફાળવવાની દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં રંગમતી નદી પરના બ્રિજનું અધૂરું કામ, પાણી વિતરણ અને વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ સહિતના મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી.
મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી, જનરલ બોર્ડની બેઠકમાં પટેલવાડી-રાજપાર્ક મેઈન રોડ પરના સર્વે નંબર-૩૨૫ અને ૩૨૭ ના પ્લોટ પ્લાન્ટેશન માટે વન વિભાગને સોંપવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ દરમિયાન વિપક્ષી સભ્ય જેનબ ખફીએ વર્ષ ૨૦૦૬માં ફાળવાયેલા પ્લોટની વર્તમાન સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે ખંભાળીયા રોડ પરના પ્લોટમાં હાલ કંપનીની બસો પાર્ક થાય છે, જ્યારે એક પ્લોટ બિનઉપયોગી પડ્યો છે.
આ ઉપરાંત સિટી ઈજનેર ભાવેશ જાનીએ બ્રિજ નીચે પેઈડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોવાની માહિતી આપતા વિપક્ષે નાગરિકો પર પેઈડ પાર્કિંગનો આર્થિક બોજ ન નાખવા અને તંત્ર દ્વારા વિનામૂલ્યે પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડવા રજૂઆત કરી હતી.
બેઠકમાં કાલાવડ નાકા બહારના જૂના બ્રિજને તોડ્યા બાદ રંગમતી નદી પર મહિનાઓમાં બનનારા નવા બ્રિજનું કામ લાંબા સમયથી બંધ હોવાનો ઘટસ્ફોટ શાસક જૂથના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે કર્યો હતો. આ મુદ્દે વિપક્ષના બે મહિલા કોર્પોરેટરોએ પણ સમર્થન આપ્યું હતું. સિટી ઈજનેર ભાવેશ જાનીએ, સંબંધિત પેઢીને રૂબરૂ બોલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેની સામે વિપક્ષી સભ્ય સહારા મકવાણાએ વર્તમાન એજન્સીને ટર્મિનેટ કરી અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની માંગણી કરી હતી.
બીજી તરફ, નર્મદા નિગમ સાથે માત્ર ૨૨ એમએલડી દૈનિક પાણીના એમઓયુ અંગે જેનબ ખફીએ વ્યક્ત કરેલી ચિંતા સામે કાર્યપાલક ઈજનેર નરેશ પટેલે જરૂરિયાત મુજબ નર્મદા નિગમ દ્વારા પાણીનો જથ્થો વધારી આપવામાં આવતો હોવાની સ્પષ્ટતા કરી હતી.
સામાન્ય સભામાં ગત મે માસમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા રૂ. ૪ કરોડના ખર્ચનો મુદ્દો પણ ગરમાયો હતો. વિપક્ષી સભ્ય સહારા મકવાણાએ આ ખર્ચની પૂરતી વિગતો ન અપાયાની ફરિયાદ કરી બિલની નકલ માંગી હતી અને બિલ હજુ સુધી બન્યા છે કે કેમ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ અંગે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોમાં પ્રોટોકોલ મુજબ ખર્ચ થતો હોય છે, અને તમામ બિલોની સંપૂર્ણ ચકાસણી (વેરિફિકેશન) કર્યા બાદ જ નાણાકીય ચૂકવણી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt