
જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વિદેશીઓને પણ ખૂબ આકર્ષે છે અને આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરવા ભારતની ભૂમિ સુધી તેમને દોરી લાવે છે. બ્રાઝિલથી ભારત આવેલા સાધ્વીજીએ માટે ગિરનાર લીલી પરિક્રમા પણ આવી જ એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ બની છે. ભગવદ્ ગીતાના વાંચન અને પોતાના ગુરુજીનાં પુસ્તકોના માધ્યમથી ભારત સાથે આધ્યાત્મિક જોડાણ કેળવનાર આ સાધ્વીજી ગિરનારની પાવન ભૂમિ પર પરિક્રમા કરી રહી છે.
બ્રાઝિલના સાધ્વીજી પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેને વાંચનનો પહેલેથી જ ખૂબ શોખ રહ્યો છે. ભગવદ્ ગીતા અને પોતાના ગુરુજીનાં પુસ્તકોના વાંચનથી ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યે રસ જાગ્યો હતો. આ આધ્યાત્મિક જોડાણને પગલે ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને મહાકુંભ મેળામાં સહભાગી થવાની ઇચ્છા સાથે તે ભારત આવી હતી. હાલ તેને ભારતમાં આવ્યાને એક વર્ષ થયું છે અને હવે તે ગિરનાર લીલી પરિક્રમામાં જોડાઈ છે.
તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગિરનાર પર આવીને અને પરિક્રમામાં સહભાગી બનીને તેને ખૂબ જ સારું લાગી રહ્યું છે. ભારતની આધ્યાત્મિક પરંપરા અને અહીંના ધાર્મિક વાતાવરણ સાથે જોડાવાની આ એક સુંદર તક છે. બ્રાઝિલથી ભારત સુધીની તેની આધ્યાત્મિક સફરમાં ગિરનાર લીલી પરિક્રમાનો અનુભવ પણ યાદગાર બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ