
- ઝીણાબાવાની મઢી ખાતે ૨૦૦૦થી વધુ પરિક્રમાર્થીઓને ભાવિકોને અપાઈ જરૂરી સારવાર ઓક્સિજન, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા.
જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરિક્રમા રૂટના મહત્વના પડાવ એવા ઝીણાબાવાની મઢી ખાતે કાર્યરત મેડિકલ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ યાત્રાળુઓને પ્રાથમિક અને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા લીલી પરિક્રમા અંતર્ગત ઝીણાબાવાની મઢી ખાતે ખાસ આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર પર મેડિકલ ઓફિસર ડો. દીપક વાઢેર, એક ફાર્માસિસ્ટ, બે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) સહિતની સુસજ્જ ટીમ રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવી રહી છે.
મેડિકલ ઓફિસર ડો. દીપક વાઢેરે જણાવ્યું હતું કે, પરિક્રમાના દુર્ગમ જંગલ વિસ્તારમાં પગપાળા ચાલવાને કારણે યાત્રાળુઓને પગના દુખાવા, ચઢાણ ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડવી તેમજ જંગલી જીવજંતુ કે વીંછી કરડવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્ર પર પૂરતી દવાઓ અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત, દર્દીઓની તાત્કાલિક તપાસ માટે ઓક્સિજન સિલિન્ડર, બ્લડ પ્રેશર (BP) માપવાનું મશીન અને ડાયાબિટીસની તપાસ માટે ગ્લુકોમીટર જેવા આધુનિક સાધનો પણ રાખવામાં આવ્યા છે.
ઈમરજન્સી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર ત્રણ એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. કોઈ યાત્રાળુની તબિયત વધુ લથડે તો 'ટ્રાયેજ' પદ્ધતિ મુજબ દર્દીની ગંભીરતા ચકાસીને તાત્કાલિક અહીંથી અમદાવાદી કૂવા સુધી રિફર કરવામાં આવે છે, જ્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ