
બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો જેવા પરંપરાગત દેશી ભોજનની મોજ પરિક્રમાના આનંદમાં વિશેષ રંગ ઉમેરે છે
જુનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા આસ્થાની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં જીવનની સાદગી અને આનંદ માણવાનો પણ અનોખો અવસર બની રહે છે. ગિરનારના જંગલની હરિયાળી વચ્ચે ભક્તિભાવ સાથે પરિક્રમા કરી રહેલા ભાવિકો અહીંના કુદરતી વાતાવરણમાં ભોજનનો સ્વાદ પણ માણે છે. અનેક ભાવિકો પોતાની સાથે રસોઈનો સામાન લઈને આવે છે અને ગિરનારની ગોદમાં દેશી ભોજન તૈયાર કરી તેનો સ્વાદ માણે છે. ખાસ કરીને ચૂલો માંડીને બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો જેવા પરંપરાગત દેશી ભોજનની મોજ પરિક્રમાના આનંદમાં વિશેષ રંગ ઉમેરે છે.
અમદાવાદથી પ્રથમ વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલાં રતનબેને પ્રકૃતિના ખોળે રહેવા અને જાતે ભોજન બનાવીને જમવાના અનુભવને અવિસ્મરણીય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક પરિચિત બહેન સાથે અહીં આવ્યાં છે અને પ્રથમ વખત પરિક્રમામાં ભાગ લઈ રહ્યાં છે. અહીંની વ્યવસ્થાઓ અને સુવિધાઓ ખૂબ સારી છે. પ્રકૃતિના ખોળે એક દિવસ રોકાઈને જાતે રસોઈ બનાવવી અને સાથે બેસીને ભોજન માણવું એ ખરેખર આનંદદાયક અનુભવ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જંગલના કુદરતી વાતાવરણમાં રહેવાનો એક અલગ જ આનંદ છે. ગિરનારની ગોદમાં આવીને જાતે રસોઈ બનાવવી, ભોજન કરવું અને કુદરતની નજીક રહેવું એ અનુભવ જ કંઈક અલગ છે. આમ, ગિરનાર લીલી પરિક્રમા ભાવિકો માટે શ્રદ્ધા સાથે પ્રકૃતિપ્રેમ, દેશી ભોજનની મીઠાશ અને સહિયારા આનંદની યાદગાર અનુભૂતિ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ