



- જનપ્રતિનિધિઓની રજૂઆતોનો ઝડપથી ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ.
કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતોને કૂવા બનાવવા માટે સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ જેવા મહત્ત્વના જનપ્રશ્નો હવે જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ પહોંચ્યા છે. ભુજ તાલુકાના ધોરડો ગામે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં આ સહિતના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોનો પ્રાથમિકતાના ધોરણે અને સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બન્ની વિસ્તારના હાજીપીર, ભીટારા, લુણા સહિતનાં ગામોમાં પીવાના પાણીના વિતરણમાં સર્જાતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તેમણે માત્ર બન્ની પૂરતું નહીં, પરંતુ સમગ્ર કચ્છમાં પાણી વિતરણની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ રજૂઆતને ગંભીરતાથી લેતાં કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાણી પુરવઠા વિભાગ સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક બોરનું નિર્માણ કરવા જેવા વૈકલ્પિક ઉપાયો હાથ ધરવા અને સાથે જ ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે લાંબા ગાળાનું આયોજન તૈયાર કરવા સૂચના આપી હતી. ખાસ કરીને બન્નીના ગામોમાં સ્થાનિક જરૂરિયાત પ્રમાણે નિયમિત અને પૂરતું પાણી પહોંચે તે માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ખેડૂતોને કૂવા બનાવવા માટે બે ગુંઠા સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયામાં એનઓસી મેળવવામાં થતો વિલંબ પણ બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ધારાસભ્યએ ભુજ તાલુકા સહિત સમગ્ર કચ્છના ખેડૂતોને પડતી આ મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરી હતી. તેના પગલે કલેક્ટરે મામલતદારો સહિત સંબંધિત અધિકારીઓને ખેડૂતોની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા અને પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ટાળવા નિર્દેશ આપ્યો હતો.
કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકોને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવવું વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા વિભાગો વચ્ચે સંકલન રાખીને જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકાકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar