


ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મધરાત્રે સર્જાયો હૃદયદ્રાવક અકસ્માત; નાના બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોનાં મોતની માહિતી, મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાય જાહેર
કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર વેકરિયા રણ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ટ્રેલર અને હ્યુન્ડાઈ કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર નાના બાળકો સહિત સાત લોકોનાં કરુણ મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની ભયાનકતા એટલી વિકરાળ હતી કે હ્યુન્ડાઈ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનનો બુરચો બોલી ગયો હતો.
પ્રાથમિક અહેવાલો અનુસાર, રાત્રિના સમયે ભુજ-ખાવડા માર્ગ પર વેકરિયા રણ વિસ્તારમાં ટ્રેલર અને હ્યુન્ડાઈ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી આ જોરદાર ટક્કર બાદ કારમાં સવાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા હતા. આ દુર્ઘટનામાં સાત લોકોનાં જીવ ગયા હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હોવાના અહેવાલથી ઘટનાની કરુણતા અનેકગણી વધી ગઈ છે. કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોના મૃત્યુ થયાની માહિતી પણ સામે આવી રહી છે.
આ ગોઝારી ઘટનાના પડઘા દેશના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં સર્જાયેલી આ જીવલેણ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના તથા સાંત્વના વ્યક્ત કરી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના આશ્રિત પરિવારોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂ. 50 હજારની સહાય આપવામાં આવશે.
એક તરફ પરિવારજનો માટે આ દુર્ઘટના ક્યારેય ન પૂરાય તેવી ખોટ બની છે, તો બીજી તરફ સમગ્ર કચ્છમાં શોકની લાગણી પ્રસરી છે. માર્ગ અકસ્માતની આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અને સાવચેતીના પ્રશ્નને કેન્દ્રસ્થાને લાવી દીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar