બે વર્ષથી પોલીસને થાપ આપી ફરતો હરિયાણાનો આરોપી કચ્છમાંથી ઝડપાયો!
પધ્ધરના ખોટા સરકારી દસ્તાવેજના ગુનામાં પેરોલ ફર્લો સ્કોડની સફળ કામગીરી. કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંતર્ગત પધ્ધર પોલીસ સ્ટેશનમાં ખોટા સરકારી દસ્તાવેજો તૈયાર કર
પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આરોપી પકડાયો


- પધ્ધરના ખોટા સરકારી દસ્તાવેજના ગુનામાં પેરોલ ફર્લો સ્કોડની સફળ કામગીરી.

કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંતર્ગત પધ્ધર પોલીસ સ્ટેશનમાં ખોટા સરકારી દસ્તાવેજો તૈયાર કરવા તથા તેનો ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલો આ આરોપી આખરે પેરોલ ફર્લો સ્કોડના હાથે ઝડપાઈ જતાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પધ્ધર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન સરકારી દસ્તાવેજોની ખોટી બનાવટ અને તેના ઉપયોગ સંબંધિત ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુના રજિસ્ટર નંબર 49/2024 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 465, 468, 471 અને 120(બી) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસની પકડથી દૂર રહી નાસતો ફરતો હતો.

આરોપીને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ ભુજની પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન પોલીસને મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસને આગળ ધપાવવામાં આવી હતી. પોલીસની ટીમે સંકલિત રીતે કામગીરી હાથ ધરી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નાંગલ ગામના રહેવાસી નવીન ભગીરથસિંહ યાદવ (24)ને ઝડપી પાડ્યો હતો. આમ, લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીને કાયદાના સકંજામાં લેવામાં સફળતા મળી છે.

આ સમગ્ર કામગીરી પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એ.એસ.આઈ. હરિલાલ બારોટ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અશોકસિંહ ઝાલા તેમજ ટેકનિકલ સર્વેલન્સની કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજા અને ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરી જોડાયા હતા.

બે વર્ષથી ફરાર આરોપીની ધરપકડથી પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની તપાસને આગળ વધારવામાં મદદ મળશે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande