




પ્રવાસન સ્થળોની સ્વચ્છતા સામે આરોગ્ય વિભાગનું એક્શન! ભુજ–ધોરડો રોડ પર ૪૨ હોટલ-રિસોર્ટમાં ઓચિંતી તપાસ
કચ્છ, 22 નવેમ્બર (હિ.સ.) : કચ્છના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ ધોરડો અને સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓના આરોગ્યની સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. ભુજથી ધોરડો તરફના માર્ગ પર આવેલા હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે સહિત અંદાજે ૪૨ એકમોમાં આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમોએ ઓચિંતી મુલાકાત લઈને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કચ્છમાં પ્રવાસન સીઝન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર વધતી હોય છે. આવા સમયે હોટલ અને રિસોર્ટમાં પીવાના પાણીની શુદ્ધતા તથા ભોજનની ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી બની જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા એકમોમાં સીધી તપાસ કરી હતી.
અભિયાન દરમિયાન ટીમોએ પીવાના પાણીના સ્ત્રોત, પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા, ટાંકીઓની સ્વચ્છતા અને તેની નિયમિત સફાઈ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી. પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા અટકાવવા માટે સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા જાળવવા સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી.
બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટનાં રસોડાંમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. રસોઈ બનાવવાની જગ્યા, વાસણોની સ્વચ્છતા, કાચા અને તૈયાર ખોરાકનો સંગ્રહ, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, કચરાના નિકાલ અને સમગ્ર પરિસરની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવે છે કે નહીં, માખી-જીવાતોથી બચાવની વ્યવસ્થા છે કે નહીં તેમજ રસોડામાં કામ કરતા કર્મચારીઓ વ્યક્તિગત સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે કે નહીં તે બાબતો પણ ચકાસવામાં આવી હતી.
તપાસ દરમિયાન સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે પાણીની ટાંકીઓની સમયાંતરે સફાઈ, ખોરાકનો યોગ્ય સંગ્રહ અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસીઓના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ હોટલ, રિસોર્ટ, હોમ સ્ટે અને ખાણીપીણીના એકમોમાં આવી તપાસ ચાલુ રહેશે. પ્રવાસન ક્ષેત્રની પ્રતિષ્ઠા જાળવવા સાથે કચ્છ આવતા મહેમાનોને સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar