જામનગરને પીવાના પાણીની મોટી રાહત: સૌની યોજના હેઠળ ડેમોમાં, 15 જાન્યુઆરી સુધી ચાલે તેટલો નર્મદાનો જથ્થો ઠલવાયો
રણજીતસાગર, સસોઈ અને ઊંડ-1 ડેમમાં દરરોજ સરેરાશ 10 એમસીએફટી પાણીની આવક, -શહેરની દૈનિક 153 એમએલડી જરૂરિયાત સંતોષવા તંત્રનું સઘન આયોજન, જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી જળસંકટની સ્થિતિ વચ્ચે, મહાન
રણજીતસાગર ડેમ


-રણજીતસાગર, સસોઈ અને ઊંડ-1 ડેમમાં દરરોજ સરેરાશ 10 એમસીએફટી પાણીની આવક,

-શહેરની દૈનિક 153 એમએલડી જરૂરિયાત સંતોષવા તંત્રનું સઘન આયોજન,

જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી જળસંકટની સ્થિતિ વચ્ચે, મહાનગરપાલિકાએ શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા કમર કસી છે. સૌની યોજના મારફતે શહેરના મુખ્ય ત્રણ જળાશયોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતા આગામી 15 જાન્યુઆરી સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળસંગ્રહ ઉપલબ્ધ થયો છે, જેનાથી તંત્ર અને નાગરિકોને હાલ પૂરતી મોટી રાહત મળી છે.

ચાલુ વર્ષે ઓછા વરસાદને લીધે જામનગરના મોટાભાગના જળાશયો ખાલી રહ્યા હતા, જેના કારણે આગામી છ મહિનાનો સમયગાળો વહીવટી તંત્ર અને પ્રજા માટે પડકારજનક બન્યો છે. શહેરની દૈનિક અંદાજિત 147 થી 153 એમએલડી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન ઘડવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે ગત મહિનાથી જ સૌની યોજના હેઠળ નર્મદાના નીર મેળવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

હાલમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ત્રણ જળાશયો—રણજીતસાગર, સસોઈ અને ઊંડ-1 ડેમમાં સતત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ ત્રણેય ડેમોમાં દરરોજ સરેરાશ 10 એમસીએફટી નર્મદાના પાણીની આવક થઈ રહી છે. આ સતત આવકના પરિણામે રણજીતસાગર ડેમની જળસપાટી વધીને 26 ટકા પર પહોંચી છે, જ્યારે ઊંડ-1 ડેમમાં 9 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

સૌની યોજનાના આ પાણીમાંથી જામનગર શહેરને દૈનિક અંદાજે 22 એમએલડી જેટલો નર્મદાનો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્રણેય જળાશયોમાં નર્મદાના નીર ઠાલવીને ત્યાંથી શહેરીજનોને નિયમિત પાણી વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામગીરીને પગલે આગામી જાન્યુઆરી માસના મધ્યભાગ સુધી શહેરમાં પીવાના પાણીની કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં તેવો વિશ્વાસ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande