
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામની સીમમાં સરકારી પડતર જમીન પર એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવાના કેસમાં પાટણની સ્પેશિયલ NDPS કોર્ટે આરોપી દિનેશ ઠાકોર (રહે. પરવડી)ને 7 વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. સ્પેશિયલ કોર્ટના ત્રીજા એડિશનલ સેશન્સ જજ ડી.એમ. ચૌહાણે 95 પાનાના ચુકાદામાં આ સજા સંભળાવી હતી.
આ કેસમાં 18 જાન્યુઆરી, 2021ના રોજ પાટણ SOG પોલીસને બાતમી મળતાં ધરવડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સર્વે નંબર 254ની સરકારી પડતર જમીનમાં એરંડાના પાકની આડમાં વાવેલા ગાંજાના કુલ 56 છોડ મળી આવ્યા હતા. તેનું કુલ વજન 61 કિલો 300 ગ્રામ અને અંદાજિત કિંમત ₹6,13,000 હતી.
આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ બાદ તેઓ 18 જાન્યુઆરી, 2021થી જેલમાં હતા. ટ્રાયલ દરમિયાન તેમણે 5 વર્ષ, 10 મહિના અને 2 દિવસ જેલમાં વિતાવ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ જનક ડી. ઠક્કરે 12 સાહેદોની જુબાની તથા પંચનામા, ફોટોગ્રાફ્સ, FSL અને DFS રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટે પુરાવાઓને આધારે આરોપ સાબિત માન્યો હતો. ચુકાદામાં જજે નોંધ્યું હતું કે માદક પદાર્થોનું ઉત્પાદન, વાવેતર અને વેચાણ યુવા પેઢી, પરિવાર અને સમાજ માટે નુકસાનકારક છે. તેથી આવા ગેરકાયદેસર કાર્યો પર અંકુશ મેળવવો જરૂરી હોવાનું જણાવી આરોપીને 7 વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ