
સર્વર બે દિવસ બંધ રહેતાં અનાજ વિતરણ અટક્યું, ઇ-એફપીએસ સોફ્ટવેરમાં અપડેશનના અભાવે વારંવાર સમસ્યા સર્જાતી હોવાનો રોષ
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જામનગરમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના વિતરણમાં પુરવઠા વિભાગના સર્વરની સમસ્યાએ મોટી મુશ્કેલી ઊભી કરી છે. ગત બે દિવસ સુધી સર્વર બંધ રહેતાં અનાજ લેવા પહોંચેલા કાર્ડધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો ભારે પરેશાન થયા હતા. સર્વર ફરી કાર્યરત થયા છતાં વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીથી કાયમી ઉકેલની માંગ ઉઠી છે.
ગત 19 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી પુરવઠા વિભાગનું સર્વર બંધ થઈ ગયું હતું, જે નિયમ મુજબ બીજા દિવસે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ જવું જોઈતું હતું. જોકે સવારે 10 વાગ્યા અને બપોર સુધી પણ સર્વર શરૂ ન થતાં વિતરણ વ્યવસ્થા ઠપ રહી હતી. સર્વરમાં વારંવાર આવી સમસ્યાઓ સર્જાતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે.
અધિકારીઓને અગાઉથી જાણકારી આપવામાં આવી હોવા છતાં સર્વર ઝડપથી કાર્યરત કરવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. સર્વર બંધ થવા પાછળના ચોક્કસ કારણો અને તેને પુનઃ કાર્યરત કરવામાં નડતી મુશ્કેલીઓ અંગે પણ જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી, જેના કારણે અનાજ વિતરણ પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે.
ઇ-એફપીએસ ઓનલાઇન બિલિંગ સોફ્ટવેર છેલ્લા આશરે દસ વર્ષથી કાર્યરત છે, પરંતુ તેમાં જરૂરી ટેકનિકલ સુધારા અને અપડેશન કરવામાં આવતા નથી. કાર્ડધારકો, વ્યાજબી ભાવના દુકાનદારો, ગોડાઉન મેનેજરો તેમજ પુરવઠા વિભાગના નાયબ મામલતદારોની કામગીરી સરળ બને તેવા સુધારાની જરૂરિયાત હોવા છતાં તે દિશામાં પૂરતું ધ્યાન અપાતું નથી. એનઆઈસી અને વિવિધ એજન્સીઓ પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં અપેક્ષિત પરિણામ ન મળતાં અને ટેકનોલોજીની કાર્યક્ષમતામાં સુધારો ન થતાં નાગરિકો અને દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt