
એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પ્રથમવાર નવેમ્બર-ડિસેમ્બરમાં ખાસ બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે. આગામી 30 નવેમ્બરથી શરૂ થનારી આ પરીક્ષા માટે જામનગર જિલ્લામાં ધોરણ 10ના 331 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 63 મળી કુલ 394 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા, દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્ય જાહેર પરીક્ષા અને જૂન-જુલાઈમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જોકે, આ વર્ષે પ્રથમવાર એક્સટર્નલ અને ખાનગી વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જામનગર જિલ્લામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા કેન્દ્રો પર પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ધોરણ 10 માટે બે બિલ્ડીંગ અને ધોરણ 12 માટે એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં નોંધાયેલા કુલ 394 પરીક્ષાર્થીઓમાં, ધોરણ 10ના 331 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 63 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓમાં યુવતીઓની સરખામણીએ યુવકોની સંખ્યા વધુ જોવા મળી છે. જિલ્લાના ધોરણ 10ના બે કેન્દ્રો પર આ 331 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન અને આખરી તૈયારીઓના ભાગરૂપે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સચિવો અને જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ લેવાનારી આ ખાસ બોર્ડ પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થયા બાદ તેની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડના આયોજન મુજબ, આ પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં અને તેઓ આગળના અભ્યાસ માટે સમયસર પ્રવેશ મેળવી શકે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt