
સુરત, 22 નવેમ્બર (હિ.સ.): સુરતના બમરોલી રોડ પર તિરુપતિ સર્કલ નજીક આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 25 અને 16માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની પટ્ટીઓ અને વેસ્ટેજ મટિરિયલનો સંગ્રહ હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના મજુરા, ભેસ્તાન, માન દરવાજા, ઉધના, વેસુ અને ભીમરાડ સહિત છ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી અન્ય ફેક્ટરીઓ સુધી આગ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આગની ઘટનામાં પ્રેસિંગ મશીન સહિત ફેક્ટરીમાં રાખેલો પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. હાલ આગ કયા કારણોસર લાગી તે જાણવા સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે