
સુરત, 22 નવેમ્બર (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપતનગરમાં જૂની અદાવતને કારણે ચાર શખસોએ મોડી રાત્રે એક ફળના વેપારીના ઘર પાસે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, 3-4 દિવસ પહેલાં વેપારી રવિન્દ્રકુમાર મૌર્યના પુત્રોનો રાકેશ નામના યુવક સાથે ઝઘડો થયો હતો. આ ઘટનાનો બદલો લેવા 20 નવેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યે ચાર શખસો વેપારીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પુત્રોને બહાર મોકલવાની ધમકી આપી હતી. પરિવાર બહાર ન આવતા આરોપીઓએ બંને પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ઉશ્કેરાયેલા શખસોએ ઘર બહાર પાર્ક કરેલા વાહનો અને વેપારના સાધનોને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ ફળ વેચવાની બે લારીઓ અને એક જૂની સાયકલમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, પાર્ક કરેલી બે મોટરસાઇકલ પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી દેવામાં આવી હતી. આગના કારણે બંને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘરની દીવાલોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં વેપારીને અંદાજે રૂ.70 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ ચારેય આરોપીઓ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ મામલે રવિન્દ્રકુમાર મૌર્યએ 21 નવેમ્બરના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આશુતોષ ઉર્ફે શિવમ રાજપૂત, ગોરે મિશ્રા, આયુષ ગુપ્તા અને બંગાળી નામના શખસો વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. PSI એસ.સી. સંગાડા અને સિનિયર PI કે.ડી. જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે