
રાજકોટ યાર્ડમાં વિકાસના કાર્યોને કારણે નિર્ધારિત દિવસો પર રાજકોટ–ભક્તિનગર વચ્ચે ટ્રેન આંશિક રદ રહેશે
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) :
પશ્ચિમ રેલવે દ્વારા, રાજકોટ સ્ટેશનના યાર્ડમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા હોવાથી રેલ વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. જે અંતર્ગત ટ્રેન નંબર 59564/59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર આગામી 24 નવેમ્બરથી 28 ડિસેમ્બર, 2026 સુધી કુલ 35 દિવસ માટે રાજકોટને બદલે ભક્તિનગર સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ મુસાફરી પૂર્ણ કરશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઈન લાઈન પર બાકી રહેલા વિકાસના કાર્યોને પૂર્ણ કરવાના છે. આ કામગીરી માટે લાઈન નંબર 4 પર નિર્ધારિત બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા આ બ્લોકને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 59564/59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેનના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું છે કે, મુસાફરોની સુવિધા જળવાઈ રહે અને રેલ સંચાલન સુચારુ રીતે ચાલે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. જે મુજબ ઉપરોક્ત પેસેન્જર ટ્રેનનું આંશિક પ્રારંભ અને આંશિક સમાપન હવે રાજકોટને બદલે ભક્તિનગર સ્ટેશન પરથી કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા 24 નવેમ્બર, 2026 થી શરૂ થઈને 28 ડિસેમ્બર, 2026 સુધી કુલ 35 દિવસ માટે ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસો પર અમલી રહેશે.
આ નિર્ધારિત સમયગાળા દરમિયાન રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન રાજકોટ મુખ્ય સ્ટેશન પર નહીં જાય. ટ્રેન ભક્તિનગર સ્ટેશનથી જ પોતાની મુસાફરી શરૂ કરશે અને પરત ફરતી વખતે ભક્તિનગર સ્ટેશન પર જ મુસાફરી સમાપ્ત કરશે. પરિણામે, આ 35 દિવસ દરમિયાન આ ટ્રેન રાજકોટ અને ભક્તિનગર સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ અસ્થાયી સંચાલન ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt