




પોરબંદર , 22 નવેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના
અધ્યક્ષ સ્થાને સાંદિપની ખાતે વંદે માતરમ્ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો.
આ તકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન
મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મહાત્મા
ગાંધી અને સુદામાની આ પાવન ભૂમિ પર વિવિધ ભાષા, પહેરવેશ અને સંસ્કૃતિ ધરાવતા યુવાનો એકત્રિત થઈને જાણે એક ‘મિની
ભારત’નું નિર્માણ કરી રહ્યા છે. ‘વંદે માતરમ’ એ માત્ર એક ગીત નથી, પરંતુ દેશની એકતા અને વિચારધારાનું
પ્રતીક છે, જેને આગળ ધપાવવા માટે આ શિબિરના
માધ્યમથી યુવાનોને નવી ઊર્જા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા
દસ વર્ષમાં દેશમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનોનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, જે બદલાવ અગાઉ સો વર્ષમાં નહોતો આવ્યો
તે આ દાયકામાં જોવા મળ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 12 કરોડ શૌચાલયોનું નિર્માણ, ‘નલ સે જલ’ યોજના થકી ઘર-ઘર પાણી, 10 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન, આયુષ્માન ભારત યોજના દ્વારા નિઃશુલ્ક
સારવાર અને 80
કરોડ લોકોને મફત રાશન આપીને સરકારે ગરીબ અને વંચિત વર્ગની પીડા દૂર કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત હવે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા
ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં મંજૂર થયેલા 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી 6 ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે, જે વર્ષ 2028 સુધીમાં ભારતને આ ક્ષેત્રે વૈશ્વિક
લીડર બનાવશે. ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ સંરક્ષણ સાધનોથી લઈને વંદે ભારત જેવી આધુનિક
ટ્રેનો હવે ભારતમાં જ બની રહી છે, જે
યુવાનો માટે રોજગારી અને વિકાસની અપાર તકો લઈને આવી છે.
અંતમાં, મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના ઝડપી વિકાસથી ગભરાયેલી કેટલીક રાષ્ટ્રવિરોધી અને અરાજકતાવાદી
શક્તિઓ પાડોશી દેશોની જેમ ભારતમાં પણ અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ અને દેશના મજબૂત લોકતંત્ર સામે તેમના
મનસૂબા સફળ થશે નહીં. તેમણે યુવાનોને માત્ર ડિગ્રી પૂરતા સીમિત ન રહેતા નવું
કૌશલ્ય (સ્કિલ) વિકસાવવા,
અરાજકતાવાદી માનસિકતાથી દૂર રહેવા અને
વર્ષ 2047ના
‘વિકસિત ભારત’ની ધુરા સંભાળવા માટે સજ્જ થવા આહ્વાન કર્યું હતું.
મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કેમ્પના
સહભાગીઓને સર્ટીફીકેટ અને મોમેન્ટો આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમજ સાત દિવસો દરમ્યાન શ્રેષ્ઠ વ્લોગિંગ માટે પણ શિલ્ડ આપીને પ્રથમ બે ક્રમે
આવનાર વોલેન્ટિયરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
માય ભારત દાહોદના સ્નેહા પ્રજાપતિ દ્વારા સાત દિવસીય
કેમ્પ દરમ્યાન થયેલી પ્રવૃતિઓ તેમજ મુલાકાતો અંગે મહાનુભાવોને માહિતીગાર કરવામાં
આવ્યા હતા. તેમજ વિવિધ રાજ્યોના શિબિરાર્થી દ્વારા કેમ્પના અનુભવો રજૂ કર્યા
હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન
તિવારી, માયભારત ઉપનિર્દેશક નવીન ગુલિયા સહિત
શિબિરાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya