



પોરબંદર , 22 નવેમ્બર (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની
ઉપસ્થિતિમાં વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હતી. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલાં વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ, નાગરિકોના પ્રશ્નો અને વિવિધ સરકારી
યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીએ જિલ્લામાં હાથ ધરવામાં આવતાં
વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે
સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ગ્રામતળના પ્રશ્નો, સક્ષમ ગામ-સમૃદ્ધ ગામ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને
સિંચાઈ યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત વિવિધ સરકારી
મકાનોને સોલાર રૂફટોપ યોજના હેઠળ આવરી લેવા તેમજ ગ્રામ પંચાયત કચેરીઓ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને
આ કામગીરીમાં પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
જિલ્લામાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિને
ધ્યાને રાખીને મંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સુદૃઢ બનાવવા અને જરૂરિયાત
ઊભી થાય ત્યારે સંબંધિત કચેરીઓ દ્વારા જરૂરી મહેકમ ઉપલબ્ધ કરાવવા પણ સૂચના આપી
હતી.
બેઠકમાં અગાઉની બેઠકની કાર્યવાહી નોંધની
સમીક્ષા સાથે વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં
વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026, વાજપેયી બેન્કેબલ યોજના, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય
યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પીએમ સ્વનિધિ યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તથા પ્રધાનમંત્રી
રોજગાર સર્જન કાર્યક્રમ સહિતની યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, પેન્શન સંબંધિત પડતર કેસોનો ત્વરિત નિકાલ કરવા તેમજ ગ્રામ પંચાયતની
ચૂંટણીને અનુલક્ષીને જરૂરી મહેકમ અંગે માંગવામાં આવેલી માહિતી સમયસર પૂરી પાડવા પણ
સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં મેયર સાગર મોદી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મીયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા સહિત
વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya