





પોરબંદર , 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાનું એકપણ બાળક પોલિયો રસીકરણથી
વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC), છાયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન
ઓડેદરાના હસ્તે SNID પોલિયો રસીકરણ અભિયાન- 2026નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ
પ્રસંગે તેમણે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
સાથે જ જિલ્લાના તમામ વાલીઓને પોતાના 0થી 5 વર્ષનાં બાળકોને પોલિયોના બે ટીપાં
અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી.
જિલ્લામાં 0થી 5 વર્ષનાં અંદાજે 63,287 બાળકોને આવરી લેવાના લક્ષ્યાંક સાથે
કુલ 387
પોલિયો રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવ્યાં હતાં. ઔદ્યોગિક વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, બાંધકામ સાઇટ્સ અને શ્રમિક વસાહતોમાં
વસવાટ કરતાં કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે મોબાઇલ ટીમો પણ તૈનાત
કરવામાં આવી હતી. આ ઉપરાંત,
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક
આરોગ્ય કેન્દ્રો (CHC), આંગણવાડી કેન્દ્રો, શાળાઓ તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હાટ બજાર અને હાઇવે પરનાં ટ્રાન્ઝિટ
પોઇન્ટ સહિતનાં જાહેર સ્થળોએ પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર
કામગીરીમાં 1,200 વધુ આરોગ્ય કર્મચારીઓ અને અન્ય
કર્મચારીઓ જોડાયા હતા.
જિલ્લાના છેવાડાના અને દુર્ગમ વિસ્તારોમાં
વસવાટ કરતાં બાળકો પણ રસીકરણથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ બરડા
જંગલનાં અંતરિયાળ નેસડાઓ સુધી પહોંચીને વિશેષ કામગીરી હાથ ધરી હતી. બરડા જંગલમાં
વસવાટ કરતા માલધારી પરિવારોનાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવા માટે આરોગ્ય
કર્મચારીઓએ કપરા અને દુર્ગમ માર્ગો કાપીને ફુલઝર, સાત વિરડા, ધુણા, ભૂખબરા અને કાલી ખપ્પર નેસડાઓ સહિતના વિસ્તારોમાં રસીકરણની કામગીરી
કરી હતી.
અભિયાનના પ્રથમ દિવસે રસીકરણ બુથ પર આવી ન
શકેલાં અથવા રસી ન મેળવી શકેલાં બાળકોને આવરી લેવા માટે તા. 23 અને 24 નવેમ્બરના રોજ 562 ટીમો દ્વારા ઘર-ઘર મુલાકાત અભિયાન હાથ
ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ
નિયમિત રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પોલિયોની રસી મેળવેલાં બાળકોએ પણ આ અભિયાન
દરમિયાન પોલિયોના બે ટીપાં પીવડાવવાનાં રહેશે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.બી.
મહેતા, ડી.ટી.ઓ. સીમાબેન પોપટિયા, તાલુકા હેલ્થ અધિકારીઓ સહિત આરોગ્ય
વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya