જામનગરની જી.જી. હોસ્પિટલના જૂના ભવનના ડિમોલેશનનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે
525 કરોડના ખર્ચે સાત નવા ટાવર બનશે; આઈસીયુ અને સર્જિકલ સહિતના વિભાગો હિંમતનગર રોડ પર સ્થળાંતરિત થશે જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) : જામનગરની ઐતિહાસિક ગુરુ ગોવિંદસિંહજી (જી.જી.) હોસ્પિટલના આધુનિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જૂના બિલ્ડીંગને તોડવાના બીજા તબક્
જીજી હોસ્પિટલ


525 કરોડના ખર્ચે સાત નવા ટાવર બનશે; આઈસીયુ અને સર્જિકલ સહિતના વિભાગો હિંમતનગર રોડ પર સ્થળાંતરિત થશે

જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) :

જામનગરની ઐતિહાસિક ગુરુ ગોવિંદસિંહજી (જી.જી.) હોસ્પિટલના આધુનિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જૂના બિલ્ડીંગને તોડવાના બીજા તબક્કાની તૈયારીઓ શરૂ થઈ છે. 525 કરોડના ખર્ચે આઠ માળના સાત નવા મલ્ટિસ્પેશ્યાલિટી ટાવર બનાવવા માટે હાલના જૂના વિભાગોને હોસ્પિટલ પાછળ હિંમતનગર રોડ પર આવેલા નવા ભવનમાં ખસેડવામાં આવશે.

જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલના નવીનીકરણ માટે પ્રથમ તબક્કાનું ડિમોલેશન પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ જૂના બર્ન્સ વોર્ડ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ, મેડિસિન વોર્ડ, રસોડું અને એક્સ-રે વિભાગ જેવી ઈમારતો તોડી પડાયા બાદ હવે આઈસીયુ અને સર્જિકલ વોર્ડ ધરાવતું બિલ્ડીંગ તોડવામાં આવશે. આ માટે ઈમર્જન્સી વોર્ડ પાછળના નવા માળખામાં 22 બેડનું આઈસીયુ શરૂ કરી દેવાયું છે, જ્યારે ગાયનેક વિભાગને 70 બેડની સુવિધા સાથે હંગામી બિલ્ડીંગમાં ખસેડાયો છે અને આગામી સમયમાં 235 બેડનો પ્રસૂતિ વિભાગ પણ સ્થળાંતરિત કરાશે.

જૂની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત ઈમર્જન્સી રૂમ, કેસ-દવા બારી, ઓક્સિજન રૂમ, એક્સ-રે, મેડિસિન ઓપીડી અને સર્જિકલ વોર્ડ ઉપરાંત પહેલા-બીજા માળના આંખ, હાડકા અને કાન-નાક-ગળાના વિભાગોને ક્રમશઃ હિંમતનગર રોડ પરના નવા બિલ્ડીંગમાં ખસેડવામાં આવશે. જોકે, છેલ્લા વર્ષોમાં નવા બનેલા ટ્રોમા સેન્ટર, ઈમર્જન્સી વોર્ડ અને બાળકોના 200 બેડના લાલ બિલ્ડીંગને તોડવામાં કે ખસેડવામાં આવશે નહીં, જેથી ત્યાં સારવાર રાબેતા મુજબ ચાલુ રહેશે.

નવનિયુક્ત હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને સર્જરી વિભાગના વડા ડો. કેતન મહેતાએ જણાવ્યું હતું કે, આ વિશાળ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દર્દીઓ અને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વિભાગોના સ્થળાંતર અંગે આગોતરી જાણ કરવામાં આવશે. વધુમાં, લોકો નવા કાર્યરત થયેલા વિભાગો અને સારવાર કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે કેમ્પસમાં ઠેર-ઠેર સ્પષ્ટ માર્ગદર્શક બોર્ડ પણ મૂકવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande