
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં MD ડ્રગ્સના ખરીદ-વેચાણ અને સેવન સામે પોલીસે તપાસ તેજ કરી છે. ગત 7 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજકાવાડો, નિશાળની પોળ વિસ્તારમાંથી 34 વર્ષીય ફિરોઝાબાનુ ઈરફાન અલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝ સૈયદને રૂ. 2,34,900ની કિંમતના 78.300 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી હતી.
આ કેસની તપાસ કરી રહેલી પાટણ એ ડિવિઝન પોલીસે 19 નવેમ્બર, 2026ના રોજ વધુ બે આરોપીઓ આકાશ ઉર્ફે જીમી પ્રહલાદભાઈ સેવંતીલાલ દરજી અને અભય ઉર્ફે પ્રણવ પ્રવીણભાઈ ડાભીની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં તેઓ પોતાના સેવન માટે ફિરોઝાબાનુ અને તેના પતિ ઈરફાન પાસેથી ડ્રગ્સ ખરીદતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં આકાશ ઉર્ફે જીમીએ ફિરોઝાબાનુના બેંક ખાતામાં રૂ. 8,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનું, જ્યારે અભય ઉર્ફે પ્રણવે તેના ઘરે જઈ 3 ગ્રામ MD ડ્રગ્સના રૂ. 6,000 રોકડા ચૂકવ્યા હોવાનું ખુલ્યું હતું. બંને આરોપીઓ ડ્રગ્સનું વેચાણ કરતા ન હોવાનું પણ પૂછપરછમાં જણાવ્યું હતું.
બીજી તરફ, બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે, મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે મુદ્દામાલ રિકવર થઈ ગયો હોવાનું અને હાલ આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી ન હોવાનું ધ્યાનમાં રાખીને બંનેની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા કુલ 9 આરોપીઓનાં નામ નીચે મુજબ છે:
ફિરોઝાબાનુ ઈરફાન અલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝ સૈયદ
હરેશ રૂપસિંહ પ્રજાપતિ
ભરત જીવરામભાઈ પારંગી
કુલદીપભાઈ રાજપુત
ઈરફાન ઉર્ફે ધોની ઈમ્તિયાઝ લાલમીયા સૈયદ
સેધાભાઈ ભરવાડ
મહંમદ રફીક ઉર્ફે બધુ હુસેનમિયાં અબ્દુલમિયાં સિંધી
આકાશ ઉર્ફે જીમી પ્રહલાદભાઈ સેવંતીલાલ દરજી
અભય ઉર્ફે પ્રણવ પ્રવીણભાઈ ડાભી
આમ, પાટણના MD ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ