
ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી સોનગઢ-પાલીતાણા ચોકડી ખાતે હાજર હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પકડવાનો બાકી આરોપી ઉદયભાઈ રામકુભાઈ માલા ઉર્ફે કાઠી (26) (રહે. સાકરડી ગામ, તાલુકો અને જિલ્લો બોટાદ) સોનગઢ-પાલીતાણા ચોકડી ખાતે ઉભો છે.
આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મુજબનો આરોપી મળી આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં પ્રોહિબીશન એક્ટની કલમ 65(એ), 65(ઈ), 116(બી), 81 અને 98(2) હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA