
- પાણી, ૧૦૮ અને સરકારી આરોગ્ય સેવાઓથી લઈને અન્નક્ષેત્ર સુધીની સુવિધાઓથી પરિક્રમાર્થીઓને મોટી રાહત
જુનાગઢ 22 નવેમ્બર (હિ.સ.) : ભજન, ભોજન અને ભક્તિના સંગમ સમાન ગિરનાર લીલી પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પરિક્રમાર્થીઓને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓથી ભાવિકોમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. ચોથી વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભગવાનજીભાઈ બુટાણીએ પાણી, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ અને અન્નક્ષેત્ર સહિતની વ્યવસ્થાઓને બિરદાવી સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આ તેમની ચોથી પરિક્રમા છે અને અગાઉના અનુભવોની સરખામણીએ પણ આ વખતે પરિક્રમા દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓ ખૂબ સારી છે. સમગ્ર રૂટ પર પીવાના પાણીની સુવિધા, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, સરકારી દવાખાનાં અને અન્ય જરૂરી સગવડો ઉપલબ્ધ હોવાથી ભાવિકોને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન થોડા થોડા અંતરે અન્નક્ષેત્રો પણ કાર્યરત છે, જેના કારણે ભાવિકોને ભોજનની ચિંતા રહેતી નથી. પાણીથી લઈને આરોગ્ય અને ભોજન સુધીની સુવિધાઓનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હોવાથી શ્રદ્ધાળુઓ નિશ્ચિંત બનીને પરિક્રમા પૂર્ણ કરી શકે છે. તેમણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ