
ભાવનગર, 22 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં બુધસભા સાહિત્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માતૃભાષા એ આપણા અસ્તિત્વની ત્વચા છે અને કવિઓ સમાજના ચૈતન્યને ઉજાગર કરવાનું કાર્ય કરી રહ્યા છે.
તેમણે માતૃભાષા પ્રત્યે વધતી ઉદાસીનતા અને અંગ્રેજી ભાષા પ્રત્યેના અતિશય મોહ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌએ સજ્જ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શિશુવિહારમાં યોજાતી બુધસભા માત્ર ભાવનગરની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી ભાષાની સભા હોવાનો ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં હર્ષદભાઈ શાહને 'માતૃભાષા સંવર્ધન સન્માન', શબનમબેન ખોજાને 'જાહ્નવી સ્મૃતિ કવયિત્રી સન્માન' અને વિવેકભાઈ ટેઈલરને 'કિસ્મતભાઈ કુરેશી ગઝલ સન્માન' એનાયત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત બુધસભાનાં સંચાલક માનસીબેન ત્રિવેદીને 'પરિમલાબેન પંડ્યા સ્મૃતિ સન્માન' અને પરેશભાઈ પંડ્યાને 'ભૂપેન્દ્રભાઈ પંડ્યા સ્મૃતિ સન્માન' અર્પણ કરાયાં હતાં.
મુનિભાઈ મહેતાએ ભાવનગરમાં યોજાયેલા આ સાહિત્ય સન્માન ઉપક્રમને બિરદાવ્યો હતો. વિનોદભાઈ જોષીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, શબ્દના મહિમાને સન્માનવાનો આ ઉપક્રમ છે. એક પણ બુધવાર ચૂક્યા વગર વર્ષોથી ચાલતી બુધસભા ગુજરાતી સાહિત્યની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની છે.
પ્રારંભે મહેમાનોનું પુસ્તક સંપુટથી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન છાયાબેન પારેખે કર્યું હતું અને નાનકભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA