
સુરત, 23 નવેમ્બર (હિ.સ.): ઇમરજન્સી સેવા અકસ્માત કે તબીબી કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સહાય પૂરી પાડવા સાથે દર્દીની સુરક્ષા, વિશ્વાસ અને કર્મનિષ્ઠા નિભાવવામાં પણ જાણીતી છે. સુરત જિલ્લાની અરેઠ 108 ની ટીમે ફરજ દરમિયાન અકસ્માતગ્રસ્ત દર્દીની રૂ.45,000 ની રોકડ રકમ સુરક્ષિત રીતે પરિવારજનોને પરત સોંપી પ્રામાણિકતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વાત એમ છે કે ગત રોજ અરેઠ તાલુકાના ઝરપણ ગામ નજીક પેટ્રોલ પંપ સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતાં બાઈકસવાર ભાગ્યેશભાઈ માનસિંગભાઈ ચૌધરી ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો કોલ મળતા અરેઠ 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.અને તેમને પ્રાથમિક તબીબી સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન EMT તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીના ધ્યાન પર દર્દી પાસે રહેલી રૂ.45,000 ની રોકડ રકમ આવી હતી. દર્દી તે સમયે બેભાન અવસ્થામાં હોવાથી ટીમે દર્દીના અંગત નાણાની સુરક્ષા અને જવાબદારી સાથે આ રકમ સાચવીને રાખી હતી. ત્યારબાદ સમગ્ર રોકડ રકમ દર્દીના સગા પ્રતિકભાઈ ચૌધરીને પરત પી હતી.
રોકડ રકમ સુરક્ષિત રીતે પરત મળતાં દર્દીના પરિવારજનોએ 108 ની ટીમની પ્રામાણિકતા, માનવતા અને જવાબદારીભર્યા અભિગમની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
108 ના EME હિતેશ રોહિત તથા પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ આ પગલાની નોંધ લઈ 108 ની ટીમની ફરજનિષ્ઠા, પ્રામાણિકતા અને સેવાભાવને બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે