ગાંધીનગર મનપાના કર્મચારી પર થયેલા હુમલાની ઘટના બાદ મેયર સહિત પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની સી.એન.સી.ડી. (CNCD) શાખા હેઠળ સેક્ટર-૩૦ સ્થિત વૃંદાવન ગૌધામ ખાતે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર પર તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ સાંજે થયેલા હુમલાના ગંભીર બનાવને પગલે આજે ગાં
સિવિલ હોસ્પિટલ


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની સી.એન.સી.ડી. (CNCD) શાખા હેઠળ સેક્ટર-૩૦ સ્થિત વૃંદાવન ગૌધામ ખાતે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ પરમાર પર તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ સાંજે થયેલા હુમલાના ગંભીર બનાવને પગલે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંગ ઠાકોર, ડેપ્યુટી મેયર અંજનાબેન મહેતા તથા શાસક પક્ષના નેતા જશપાલસિંહ બિહોલાએ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. પદાધિકારીઓ એ સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત કર્મચારીના ખબર-અંતર પૂછી તેમના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી વિગતવાર જાણકારી મેળવી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન મહેન્દ્રસિંહ પરમાર પોતાની ફરજ પૂર્ણ કરી ટુ-વ્હીલર પર પેથાપુર સ્થિત પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા હતા, ત્યારે વૃંદાવન ગૌધામથી જી.ઈ.બી. કોલોની તરફ જતા માર્ગ પરના વળાંક પાસે અગાઉથી છુપાઈને બેઠેલા ત્રણ ઇસમોએ તેમને અટકાવી તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતકી હુમલામાં કર્મચારી બેભાન થઈ જતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસમાં તેમના હાથ અને પગના ભાગે આશરે નવ જેટલા ફ્રેક્ચર થયા હોવાનું નિદાન થયું છે.

મુલાકાત દરમિયાન મેયર રૂપસિંગ ઠાકોરે કર્મચારીને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર અને મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ કર્મચારી અને તેમના પરિવારને તંત્ર તરફથી તમામ પ્રકારની જરૂરી મદદ પૂરી પાડવાની બાહેંધરી આપી હતી. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ જાહેર હિતની કાયદેસરની સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર અને કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક ફોજદારી કાર્યવાહી તથા અટકાયતી પગલાં ભરવા માટે પોલીસ અધિક્ષકશ્રીને લેખિત ફરિયાદ પણ પાઠવવામાં આવી છે.

શહેરના નાગરિકોની સુખાકારી અને સલામતી માટે ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા અને સ્વમાન જળવાય તે માટે મહાનગરપાલિકા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જાહેર હિતની કામગીરીમાં કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ કાયદાકીય અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande