
ગીર સોમનાથ 23 નવેમ્બર (હિ.સ.) : તાલાળાના રહેવાસી મધુબહેન ઉદેશ પણ આવા જ એક સ્વ-સહાય જૂથ રામદેવપીર મંગલમ્ જૂથમાં જોડાયા અને ‘મન હોય તો માળવે જવાય’ની ઉક્તિને બરાબરની સાર્થક કરી બતાવી. મધુબહેન પહેલા છૂટક મજૂરી કરતા હતા અને સ્વ-સહાય જૂથ થકી આત્મનિર્ભર બની ધીમે-ધીમે આર્થિક સદ્ધરતાની કેડી કંડારી પરિવારને મદદરુપ થઈ રહ્યાં છે.
મધુબહેને જણાવ્યું હતું કે, પહેલા અમને કશું જ ખબર પડતી નહોતી પરંતુ, એક સ્વ-સહાય જૂથ ચાલતું હતું તેમની પાસેથી અમે તમામ માહિતી મેળવી હતી. કઈ રીતે મંડળ બનાવવું? કઈ રીતે સહાય મળે છે? આ બધું જ માર્ગદર્શન મેળવીને અમે દસ બહેનોએ શરુઆત કરી હતી. રાજ્ય સરકાર તરફથી અમને રુ. ૧ લાખની લોન મળી હતી. જેમાંથી અમે આસામમાંથી વાંસ અને અન્ય મટિરિયલ લાવ્યા અને અવનવી વસ્તુઓનું બનાવવાનું શરુ કર્યું.
આ સહાયથી અમારા ઉત્પાદનને વેગ મળ્યો અને હવે અમે વાંસમાંથી શાકભાજીની છાબ, ફૂલદાની, રોટલી મૂકવાની ટોપલી સહિતના ઉત્પાદનો બનાવીએ છીએ અને સારી આવક મેળવીએ છીએ. હવે હું પણ આવક મેળવું છું. જેથી પરિવારની આર્થિક જરૂરિયાતોમાં યોગદાન આપી શકું છું અને પતિને પણ આર્થિક રીતે મદદરુપ થઈ શકું છું. જેનો મને ખૂબ આનંદ છે.”
આમ જણાવી વ્યવસાયથી આવક વધે એ માટે મધુબહેને કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યકત્ કર્યો હતો.
આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે છૂટક મજૂરીકામ કરવાથી શરુ કરેલી મધુબહેને સફળતાના શિખરો સર કર્યા છે. તેમની આ સફર આજે સ્વ-રોજગાર દ્વારા પરિવારને આર્થિક ટેકો આપી મદદરુપ બની આત્મનિર્ભરતા સુધી પહોંચી છે. જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ