
જુનાગઢ 23 નવેમ્બર (હિ.સ.) : “સુરક્ષિત શૌચાલયો, સમાન ભવિષ્ય”ના સંદેશ સાથે જૂનાગઢ જિલ્લાના ગામોમાં શૌચાલયોની સ્વચ્છતા, સુલભતા અને જાળવણી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા તા. ૧૯ નવેમ્બરે “વિશ્વ શૌચાલય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે, જેની આ વર્ષની થીમ “સુરક્ષિત શૌચાલયો, સમાન ભવિષ્ય” રાખવામાં આવી છે. આ અવસરે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ તા. ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં “સ્વચ્છ શૌચાલય-ગરિમામય ભવિષ્ય” વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિગત, સામુદાયિક અને સંસ્થાકીય શૌચાલયોનું મૂલ્યાંકન, સમારકામ, પુનઃસ્થાપન અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ખાસ કરીને મહિલાઓ, કિશોરીઓ અને દિવ્યાંગજનો માટે સુરક્ષિત તેમજ સરળતાથી ઉપલબ્ધ શૌચાલય સુવિધાઓ ઊભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન પંચાયત કક્ષાએ સામુદાયિક સ્વચ્છતા સંકુલો (CSCs), શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને પંચાયત ઘરો સહિતના સંસ્થાકીય શૌચાલયોનું કાર્યક્ષમતા અને સુલભતાના આધારે સઘન મૂલ્યાંકન કરી બિનકાર્યરત કે ક્ષતિગ્રસ્ત શૌચાલયોનું તાત્કાલિક ધોરણે સમારકામ તથા પુનઃસ્થાપન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે વિવિધ માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) પ્રવૃત્તિઓ, શાળા કક્ષાના કાર્યક્રમો અને સ્વચ્છતા ઝુંબેશના માધ્યમથી સાબુથી હાથ ધોવાનું મહત્વ, માનવ મળના સુરક્ષિત નિકાલ તથા ઘન કચરા વ્યવસ્થાપન નિયમ-૨૦૨૬ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. અભિયાનના અંતિમ તબક્કામાં તા. ૯ અને ૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લા અને ગ્રામ પંચાયત કક્ષાએ સમાપન કાર્યક્રમો યોજાશે, જેમાં સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત શૌચાલયો ધરાવતા શ્રેષ્ઠ લાભાર્થીઓ તથા સંસ્થાઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ