ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ
જુનાગઢ 23 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકના કારણે વન્યજીવો અને કુદરતી સંપદાને નુકસાન ન થાય તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાર્થીઓની સાથે પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલ વિસ્તારમ
ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વન વિભાગ


જુનાગઢ 23 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકના કારણે વન્યજીવો અને કુદરતી સંપદાને નુકસાન ન થાય તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાર્થીઓની સાથે પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલ વિસ્તારમાં પ્રવેશે નહીં તે માટે ૧૩ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પરિક્રમાના જુદા જુદા પ્રવેશદ્વારો અને પરિક્રમા માર્ગ પર વન વિભાગના કર્મચારીઓ દ્વારા અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓના સ્થાને ભાવિકોને ઇકો ફ્રેન્ડલી બેગ તેમજ ખાદ્યસામગ્રી માટે પેપર બેગનું વિતરણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક મનીષ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ દરમિયાન પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં પ્રવેશે નહીં તે માટે વન વિભાગ દ્વારા ૧૩ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો પરિક્રમાર્થીઓના બેગ અને સામાનની સતત તપાસ કરી રહી છે. ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરવામાં આવે છે અને તેના સ્થાને ભાવિકોને ઇકો ફ્રેન્ડલી બેગ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની ખાવા-પીવાની, પહેરવાની કે અન્ય ઉપયોગી વસ્તુઓ તેમાં રાખી શકે. ખાદ્યસામગ્રી માટે ખાસ પેપર બેગનું પણ વિતરણ કરવામાં આવે છે.

આ કામગીરી માટે ઈટવા ગેટ, જાંબુડી નાકા, રામનાથ સહિતના પ્રવેશ સ્થળોએ સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકડીયા હનુમાનજી સહિતના સ્થળો અને પરિક્રમા માર્ગ પર પણ પ્લાસ્ટિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઈટવા ઘોડી અને ચાર રસ્તા જેવા માર્ગ પરના સ્થળોએ પણ વન વિભાગની ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના અભયારણ્ય વિસ્તારમાં જતું અટકાવવા ગિરનાર નવી તથા જૂની સીડી અને દાતાર ખાતે પણ ફ્રિસકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande